ગાંધીધામ ટુડે, ન્યૂઝ: લોકસભાના નેતા રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા “વોટ ચોરી”ના મુદ્દે દેશભર સાથે કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા જન આંદોલન છેડવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે, ગાંધીધામ સેક્ટર-5 સ્થિત શનિ માર્કેટ ખાતે કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર, ગાદી છોડ’ સહી ઝૂંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

કોંગ્રેસ લોકશાહીને બચાવવા અને બંધારણે આપેલા મતના અધિકારની રક્ષા માટે આ અભિયાન ચલાવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ સહી કરીને કોંગ્રેસના આ અભિયાનને સમર્થન આપ્યું છે.
આ પણ વાંચો: ગાંધીધામ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવી સુંદરપુરી વિસ્તારમાં અને આદિપુર ખાતે પણ ‘મારો મત મારો અધિકાર’ શીર્ષક હેઠળ સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના દરેક વિસ્તારમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે, જેઓ ઘરે-ઘરે અને વેપારીઓની દુકાને જઈને લોકોનો સંપર્ક કરી સહીઓ લઈ રહ્યા છે.
ઉપસ્થિતિ:
શનિ માર્કેટ ખાતેના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, કચ્છ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રવિણસિંહ વણોલ, મહામંત્રીઓ આદિત્યભાઈ ઝુલા અને નિતેશભાઈ લાલન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, ગાંધીધામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ગુપ્તા, તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધાસિંહ ચૌધરી, તાલુકાના પૂર્વ વિપક્ષી નેતા અલ્પેશભાઈ ઝરૂ, યુવા કોંગ્રેસ મહામંત્રીઓ પ્રશાંતભાઈ મહેશ્વરી, રમેશભાઈ પ્રજાપતિ, કોમલસિંગ ચૌધરી, રોહિતસિંહ રાજપૂત, ઉમાબેન સૈની, નવીન અબચુંગ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રમુખ ભરતભાઈ ગુપ્તાએ કર્યું હતું અને આભાર વિધિ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ માતંગ નિતેષભાઈ પી. લાલન દ્વારા કરવામાં આવી હતી.