ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના સુભાષનગર વિસ્તારમાં આવેલી મેટ ઓવરસીસ આઈ.એન.સી. નામની ટ્રેડિંગ કંપનીને માલ આપવાના બહાને દિલ્હીના એક શખ્સે ₹29,66,527ની છેતરપિંડી આચરી છે. આ મામલે કંપનીના સંચાલક અમ્રિતા મૃત્યુન્જય દાસગુપ્તાએ દિલ્હીના અનુરાગ અગ્રવાલ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પ્રાથમિક વિગતો મુજબ, ફરિયાદી અમ્રિતા દાસગુપ્તાની કંપનીને દ્વારકાધીશ સેલ્સ એન્ડ સર્વિસ તરફથી પી.વી.સી. જિન્ફા પેપર બેગના કાચા માલનો ઓર્ડર મળ્યો હતો. આ માલની ખરીદી માટે તપાસ કરતાં, દિલ્હીની ઈઝી ટ્રેડર્સ નામની કંપનીમાં ઓછા ભાવ મળતા, ફરિયાદીએ દિલ્હીના અનુરાગ અગ્રવાલનો સંપર્ક કર્યો અને 100 ટન માલની માંગણી કરી.
અનુરાગ અગ્રવાલે મુંદરા પોર્ટ પરથી માલ મળી જવાનું કહીને બે ટ્રક મોકલવા જણાવ્યું હતું. પ્રથમ વખત મુંદરા ગયેલા બે વાહનોમાં માલ લોડ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ફરિયાદી સુધી પહોંચ્યો ન હતો. ત્યારબાદ, બીજી તારીખે ફરીથી વાહનો નીકળવાના હતા અને માલ ભરાયો હતો, ત્યારે ફરિયાદીએ ₹31,66,517નું ચૂકવણું કર્યું હતું, પરંતુ તેમ છતાં માલ મળ્યો નહોતો.
ફરિયાદી દ્વારા વારંવાર ફોન કરવા છતાં, અનુરાગ અગ્રવાલે બહાના બનાવ્યા અને પૈસા કે માલ પરત આપ્યા નહોતા. આખરે, ફરિયાદીના એક કર્મચારી દિલ્હી જતાં, આરોપીએ માત્ર ₹2 લાખ પરત કર્યા. આ ઘટના બાદ, બાકીના ₹29,66,527ની છેતરપિંડીની ફરિયાદ ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.