“ખાડા પુરો, સફાઈ કરો, લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે” – કોંગ્રેસ મહામંત્રી
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકા રચાઈને આઠ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં શહેરના વિકાસના કામો હજુ અધૂરા અને નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. થોડાક દિવસ પહેલાં પડેલા વરસાદને વિરામ મળ્યા પછી પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જે શહેરની દયનીય પરિસ્થિતિને ઉજાગર કરે છે.

વર્ષો થી દર વરસાદી સિઝનમાં થતા પાણી ભરાવાની સમસ્યાને ઉકેલવા માટે દર વર્ષે લાખો રૂપિયા ખર્ચી નાળા-ગટર સફાઈ કરાવાય છે. છતાં હકીકતમાં કોઈ સુધારો દેખાતો નથી. લોકોના જણાવ્યા પ્રમાણે, મોટાભાગના કામો માત્ર કાગળ પર કે ફોટા પડાવવા પૂરતા જ થઈ રહ્યા છે. પરિણામે થોડોક વરસાદ પડતા જ શહેરમાં ઠેરઠેર પાણી ભરાઈ જાય છે, ગટરો ઉભરાઈ જાય છે અને ગંદુ પાણી રસ્તાઓ પર વહી રહ્યું છે. આ કારણે દુર્ગંધ અને ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે.
વાહન ચાલકો મુશ્કેલીમાં
This Article Includes
ગાંધીધામના મુખ્ય માર્ગો પર વરસાદ પછી મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને મોટો તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓ પરથી પસાર થતાં કમર, પીઠ અને શરીરના અન્ય ભાગોમાં ઈજા થતી હોવાની અનેક ફરિયાદો સામે આવી છે. મોટી ઉંમરના લોકો માટે આ પરિસ્થિતિ વધુ કપરું સાબિત થઈ રહી છે.

ગંદકી અને કચરાના ઢગલાં
રસ્તાઓ પર ઉભરાયેલા ગટરના પાણીથી લોકોના પગમાં છાલા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સાથે સાથે કચરાના ઢગલાં અને વરસાદી ગંદકીથી ચારે તરફ દુર્ગંધ ફેલાઈ રહી છે. લોકોનો આક્ષેપ છે કે, સફાઈ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છતાં શહેરમાં કોઈ દેખરેખ કે કડક કામગીરી થતી નથી. “જેવી રીતે કામ થવું જોઈએ તેવી રીતે નથી થઈ રહ્યું, જેવું મન આવે તેમ કામકાજ ચાલી રહ્યું છે,” તેવી પ્રજા વચ્ચે ચર્ચા ચાલી રહી છે.

પ્રજામાં રોષ, તાત્કાલિક માંગ
ગાંધીધામ શહેર કોંગ્રેસના મહામંત્રી લતીફ આર. ખલીફાએ જણાવ્યું કે, “ગાંધીધામ મહાનગરપાલિકા બનીને છતાં શહેરની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી. લોકો ટેક્સ રૂપે કરોડો રૂપિયા આપે છે છતાં સુવિધાઓ મળી રહી નથી. અધિકારીઓએ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મુલાકાત કરવી જોઈએ જેથી હકીકતમાં લોકોની હાલત સમજાઈ શકે.”
શહેરના રહેવાસીઓએ તાત્કાલિક ખાડાઓ પુરવા, રોડ સમારકામ હાથ ધરવા તેમજ યોગ્ય સફાઈ કામગીરી કરવા માટે માંગ ઉઠાવી છે. લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે જો પરિસ્થિતિ એવી જ રહી તો ભવિષ્યમાં વધુ ગંભીર સમસ્યાઓ ઊભી થશે તેવું ગાંધીધામ શહેર કોંગ્રેસના મહામંત્રી લતીફ આર. ખલીફાની યાદીમાં જણાવાયું હતું.