ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ખજાનચી અને અનુભવી વેપારી શ્રી નરેન્દ્ર મોહનભાઈ રામાણીની ભારતીય ચોખા નિકાસકારો ફેડરેશન (Indian Rice Exporters Federation) માં ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ નિમણૂક વર્ષ ૨૦૨૫-૨૬ માટેના નવા બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં કરવામાં આવી છે. ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ પ્રેમ ગર્ગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. નરેન્દ્ર રામાણી પોર્ટ-શિપિંગ અને વેપાર ક્ષેત્રે ચાર દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. કંડલા મહાબંદર અને કચ્છના ઉદ્યોગ-વ્યાપાર વિકાસમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે.
આ નિમણૂકથી ભારતના ચોખા નિકાસ ક્ષેત્રમાં કચ્છ અને કંડલા વિસ્તારની ભૂમિકા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી સહિતના પદાધિકારીઓ અને સભ્યોએ આ નિમણૂકને ગૌરવની બાબત ગણાવી શ્રી નરેન્દ્ર રામાણીને અભિનંદન પાઠવ્યા છે.