ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ કચ્છથી રાજસ્થાનને સાંકળતી ત્રણ ટ્રેન પૈકી એક દૈનિક, એક ત્રણ વખત અને એક અઠવાડીયાંમાં બે વખત છે, પરંતુ અંતે વિવિધ સંસ્થાઓની વખતો વખતની રજુઆત બાદ ગાંધીધામ-જોધપુર ટ્રેનને દૈનિક દોડાવવા અંગે મંજૂરી આપી દેવાઈ છે. રેલવેના અધિકારીક સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ અગાઉ ગાંધીધામ-જોધપુર ટ્રેન સપ્તાહમાં ત્રણ દિવસ દોડતી હતી. આ ટ્રેનને દૈનિક ધોરણે દોડાવવા માટે લાંબા અરસાથી રજુઆતો થતી હતી.
રેલવે બોર્ડ દ્વારા ગત તા. 19મીએ પરિપત્ર જારી કરી ટ્રેનને દૈનિક દોડાવવા અંગે મંજૂરી આપવામાં આવી છે. નવી સમય સારણી મુજબ ગાંધીધામથી રાત્રીના 11.55 વાગ્યે રવાના થઈને સવારે 9.35 કલાકે જોધપુર પહોંચશે. પરતમાં જોધપુરથી રાત્રે 8.50 વાગ્યે રવાના થઈને બીજા દિવસે સવારે 6.5 વાગ્યે ગાંધીધામ પહોંચશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ ટ્રેન અંગે સતત રજૂઆતો કરાઈ હતી અને રેલવેના અધિકારીની મુલાકાત દરમ્યાન કે રેલવેની વિભાગીય કે ઝોનની બેઠક હોય આ ટ્રેનને દૈનિક દોડાવવા અંગે સતત રજુઆતો કરાઈ હતી.
આ ટ્રેનને દૈનિક દોડાવવાના નિર્ણય લેવા બદલ ચેમ્બર પ્રમુખ મહેશ પુજ, માનદમંત્રી મહેશ તિર્થાણીએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને રેલવે અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે. ડી.આર.યુસીસી સભ્ય રાકેશ જૈન, પારસમલ નાહટા અને ઝેડ.આર.યુ.સી.સી મેમ્બર બચુભાઈ આહીરે બેઠકમાં આ મુદો સતત ઉઠાવ્યો હતો. આ ટ્રેન દૈનિક થવાથી જોધપુરથી ઉત્તર ભારતની ટ્રેનોની મહતમ ફ્રીકવન્સી મળી રહેશે.