ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ શહેરના ૧૫ વર્ષ જૂના મદદનીશ શ્રમ આયુક્ત કચેરીના કર્મચારીએ લાંચ લેવાના કેસમાં આ વર્ગ-૩ના કર્મીને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ ભરવાનો ધાક બેસાડતો ચુકાદો અહીંની કોર્ટએ આપ્યો હતો.
શહેરમાં રહેનાર એક વ્યક્તિ લેબર કોન્ટ્રાક્ટનું લાયસન્સ ધરાવતા હતા, જેના આધારે તેમને ભુજ નગરપાલિકામાં સફાઇનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ પરવાના ડિપોઝિટ પેટે તેમણે મદદનીશ શ્રમ આયુક્ત ગાંધીધામની કચેરીમાં રૂા. ૨૦,૨૫૦ જમા કરાવ્યા હતા. બાદમાં ભુજ નગરપાલિકાનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં અરજદારે ડિપોઝિટ કરેલ રકમ પરત મેળવવા લેબર ઓફિસ ગાંધીધામમાં અરજી કરી હતી. જે અંગે કંઇ ન થતાં આ અરજદાર શ્રમ આયુક્તની કચેરીના સિનિયર કલાર્ક કાંતિલાલ ગાંગજી હિંગરાજીયાને વારંવાર મળ્યા હતા અને બાદમાં બીજી વખત પણ લેખિત અરજી કરી હતી.
બાદમાં આ સરકારી કર્મીએ અરજદારના દીકરાને મળી ૧૫ ટકા લેખે રૂા. ૩૦૦૦ની લાંચની માંગ કરી હતી. છેવટે રૂા. ૨૫૦૦માં વાત નક્કી થઈ હતી. તા. ૩૦/૯/૨૦૦૯ના બપોર પછી કચેરીએ આવી આ રકમ આપી જવાનું નક્કી થતાં લાંચની આ રકમ આરોપીને આપતાં એ.સી.બી.એ આ કર્મચારીને પકડી પાડયો હતો.
પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી આર્થિક લાભ મેળવી, સ્વીકારી પકડાઇ જનારા આ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી અહીંની વિશેષ એ.સી.બી. કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. સરકાર તરફે દસ્તાવેજી પુરાવા, સાયન્ટિફિક પુરાવા રજૂ કરાયા હતા. બંને પક્ષોને સાંભળી ન્યાયાધીશ એ.એમ. મેમણે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને કાંતિલાલ હિંગરાજીયાને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂા. ૧૦,૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.
આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ કુ. હિતેષી પી. ગઢવી હાજર રહી સંપૂર્ણ ટ્રાયલ ચલાવી હતી.