ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના વોર્ડ 10A માં ગટરની સમસ્યાએ માઝા મૂકી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઠેર ઠેર ઉભરાતી ગટરો, ગંદા પાણીનો ભરાવો અને દુર્ગંધથી આ વિસ્તારના લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. વારંવારની રજૂઆતો છતાં, મહાનગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવાઈ રહ્યા ન હોવાની ફરિયાદ છે. ગટરના પાણી રોડ પર ફેલાઈ જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને પણ ભારે અગવડ પડી રહી છે. આ ઉપરાંત ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો થવાની શક્યતા પણ વધી છે. આ અંગે સ્થાનિક આગેવાનોએ ગાંધીધામ મહાનગરપાલિકાને તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવા અને ગટર વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે અપીલ કરી છે.
વોર્ડ 10A ના નાગરિકોની માંગ છે કે, મહાનગરપાલિકા દ્વારા ગટર લાઇનની સફાઈ, જરૂર જણાય ત્યાં નવી લાઇનો નાખવી અને ગંદા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. આશા છે કે સત્તાવાળાઓ આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ, નાગરિકોને હાલાકીમાંથી મુક્તિ અપાવશે.
અંતરજાળમાં શ્રીનાથજી પાર્ક નજીક રસ્તાઓ બિસ્માર, રહીશો પરેશાન
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ તાલુકાના અંતરજાળ વિસ્તારમાં આવેલા શ્રીનાથજી પાર્ક નજીકનો મુખ્ય રસ્તો અત્યંત જર્જરિત હાલતમાં છે. નાકા સામે અને શ્રીનાથજી પાર્કની બાજુમાં આવેલા આ માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે અને થોડા પણ વરસાદમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચોમાસાની શરૂઆત થતાં જ આ સમસ્યા વધુ વકરી છે. રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયેલા રહેવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. ખાડાઓમાં પાણી ભરાયેલા હોવાથી તેની ઊંડાઈનો અંદાજ આવતો નથી, જેના કારણે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આ માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે.
શ્રીનાથજી પાર્ક અને આસપાસના વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. રહીશોની માગ છે કે સત્વરે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે જેથી તેઓ રોજિંદી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકે.