ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના ગુરુકુળ વિસ્તારના રહીશોએ કથળેલા રસ્તાઓ અને સફાઈની ગંભીર સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે ગાંધીધામ મહાનગરપાલિકાને આકરો અલ્ટીમેટમ આપ્યો છે. ગુરુકુળ યુથ ક્લબના પ્રમુખ અર્પિત મુકેશકુમાર તન્ના દ્વારા મ્યુનિસિપલ કમિશનરને એક વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં, વિસ્તારના મુખ્ય પાંચ રસ્તાઓ – ફિએસ્તા પાર્ટી પ્લોટથી સ્વામિનારાયણ ગુરુકુલ સુધીનો રોડ, માં હોસ્પિટલ તરફ જતો રોડ, સ્ટર્લિંગ હોસ્પિટલથી ગુરુકુલ તરફ જતો મુખ્ય રોડ, ઓધવરામ સુપરમાર્કેટથી ગણેશ મંદિર તરફનો માર્ગ, અને સીધુંબાગ વિસ્તારનો મુખ્ય માર્ગ – ની અત્યંત દયનીય હાલત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આ તમામ માર્ગોનું ડામર, RCC કે પેવર જેવી યોગ્ય પદ્ધતિથી તાત્કાલિક નિર્માણ થવું જોઈએ. આ ઉપરાંત, વરસાદ બાદ રસ્તાઓ પર થતી ગંદકી, કાદવ અને ગટરના નિકાલના અભાવે સર્જાતી સફાઈની વિકટ સમસ્યા પર પણ મહાપાલિકા દ્વારા ગંભીરતાથી ધ્યાન આપવા અને તેનો ત્વરિત ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.
સ્થાનિકોએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને હવે તેમની સહનશક્તિની હદ આવી ગઈ છે. રજૂઆતમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી ૧૦ દિવસની અંદર આ મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી શરૂ કરવામાં નહીં આવે, તો ગુરુકુળ વિસ્તારના નાગરિકો ગાંધીજીના બતાવેલા શાંતિપૂર્ણ માર્ગે ઉપવાસ કે આંદોલન કરવા મજબૂર થશે. આ સંદેશને એક આગાહીરૂપ ગણાવી, તેનો ઉદ્દેશ્ય માત્ર સકારાત્મક પગલાં ભરવા તરફ દોરવાનો હોવાનું પણ જણાવાયું છે.