ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોને પરિવહન સુવિધા મળી રહે તે માટે મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર પાસે 80 ઇલેક્ટ્રિક બસની માંગણી કરી છે. આ માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM)માં દરખાસ્ત પણ મોકલવામાં આવી છે.
અગાઉ સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલી લાલ બસ સેવા બંધ થયા બાદ, શહેરમાં પરિવહન વ્યવસ્થાનો અભાવ છે. નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવા પણ એક દિવસ ચાલ્યા બાદ બંધ થઈ ગઈ હતી. મહાનગરપાલિકાનો વિસ્તાર વધ્યો હોવાથી અને ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો તેમજ છ ગામોનો સમાવેશ થતો હોવાથી, લગભગ 110 ચોરસ કિલોમીટરમાં પરિવહન સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ઔદ્યોગિક વિસ્તારમાં વાહનોની અવરજવર વધવાથી પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા નાગરિકોને સારી પરિવહન સેવા મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરિવહન યોજના હેઠળ 80 ઇ-બસની માંગણી કરવામાં આવી છે અને લગભગ 40 રૂટ પર બસ ચલાવવાનું આયોજન છે. આ અંગેની દરખાસ્ત GUDMમાં મોકલી દેવામાં આવી છે. અગાઉ 13 બસ ફાળવવાની વાત હતી, ત્યારબાદ CNG બસ અને CNG પંપના અભાવે ડીઝલ બસની માંગણી કરવામાં આવી હતી. જોકે, આ વખતે ઇલેક્ટ્રિક બસની માંગણી કરવામાં આવી છે.