ગાંધીધામ ટુડે, ન્યૂઝ: શહેરના અતિ વ્યસ્ત કલેકટર રોડ પરના વ્યાપક દબાણોને દૂર કરવા માટે ગાંધીધામ મહાનગરપાલિકા (મનપા) દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મનપાએ રોડ પર દબાણ કરીને બેઠેલા ૧૦૩ દબાણકારોને નોટિસ ફટકારીને ત્રણ દિવસની અંદર સ્વેચ્છાએ અતિક્રમણ દૂર કરવા માટે જણાવ્યું છે.

કમિશનર મનીષ ગુરુવાણીની સૂચના બાદ, ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી (GDA) અને ગાંધીધામ મનપાના અધિકારીઓની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ગુરુદ્વારા સુધીના વિસ્તારમાં દબાણ ઉપર માર્કિંગ કરીને દબાણ હટાવ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી, લક્ષ્મણ બુચિયા, વિનોદભાઈ, જીતુ દેવરીયા સહિતના કર્મચારીઓએ નોટિસ આપવાની કામગીરી કરી હતી.

૮૦ ફૂટનો રોડ દબાણને કારણે સાંકડો:
કલેકટર રોડ મૂળરૂપે ૮૦ ફૂટ પહોળો માર્ગ છે, પરંતુ વ્યાપક દબાણોના કારણે તે સાંકડો બની ગયો છે. તેના પરિણામે ગંદકી, વરસાદી પાણીના નિકાલમાં અવરોધ અને ગંભીર ટ્રાફિક જામ જેવી અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. લાંબા સમયથી આ મામલે ફરિયાદો હોવા છતાં અગાઉની નગરપાલિકા દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવ્યું હતું.

શહેરીજનોને સમસ્યામાંથી મુક્તિ અપાવવાનો હેતુ:
મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણીના આગમન બાદ શહેરની મુખ્ય બજારમાં કાર્યવાહી થયા પછી હવે આ રોડને ખુલ્લો કરીને શહેરની સુંદરતામાં વધારો કરવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપાએ ચેતવણી આપી છે કે ત્રણ દિવસમાં સ્વેચ્છાએ દબાણ નહીં હટાવાય તો ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.