ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ટેક્સના મોટા બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ રોટરી સર્કલ પાસે આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં મિલકત જપ્તી કરવા માટે પહોંચતા ની સાથે જ પેઢીના માલિકે સ્થળ ઉપર જ 1.56 લાખનો ચેક આપી દીધો હતો. અનેક વખત નોટિસો આપ્યા પછી વેરો ભરપાઈ કરતા નથી.જેના પગલે મિલકત જપ્તીની કાર્યવાહી શરૂ કરતાની સાથે જ બાકીદારોએ વર્ષો જૂનો ટેક્સ ભરવાનું શરૂ કર્યું છે.
મહાનગરપાલિકા 60,200 થી વધુ મિલકત ધારકો પાસે ટેક્સ પેટે લગભગ 49.50 કરોડની આસપાસ રૂપિયા માંગે છે. રિબેટ યોજના દરમિયાન કરદાતાઓએ ચાલુ વર્ષનો ટેક્સ ભરી દીધો છે.પરંતુ નોટિસો આપવા છતાં જે કરદાતાઓનો વર્ષોનો ટેક્સ બાકી છે તેઓ ભરપાઈ કરતા નથી જેના પગલે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ફેબ્રુઆરી ના મધ્યભાગ સુધીમાં 14.50 કરોડની વસુલાત થઈ છે. માર્ચ સુધીમાં રૂપિયા વસૂલવા માટે મિલકત જપ્તી ની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

કમિશનર મિતેશ પંડ્યા સુચનાથી નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ અને સંજય રામાનુજ દ્વારા 50 મોટા બાકીદારોની મિલકત જપ્તીના વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે.
ગુરુવારે ટીમ લીડર આનંદ ઉદવાણી, ટેક્સ વિભાગના હેડ નિયત ધોળકિયા, કેયુર જાડેજા,કમલ કેલા, અને જયભાઈ સહિતનો સ્ટાફ રોટરી સર્કલ પાસે આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં જે બાકીદારનો રૂ.1,56,860 નો ટેક્સ બાકી હતો. તેની મિલકત જપ્તી કરવા પહોંચતા જ પેઢીના સંચાલકે પોતાની મિલકત જપ્તી થાય તે પહેલા જ સ્થળ ઉપર ચેક આપી દીધો હતો. અધિકારીઓએ વેરો વસૂલવા માટે દરરોજ મિલકત જપ્તી ની કાર્યવાહી કરવામાં આવશે અને બાકીદારોએ મિલકત જપ્તીથી બચવું હોય તો તુરંત મહાનગરપાલિકાને વેરો ભરપાઈ કરવો પડશે તેમ કહ્યું હતું.
ટેક્સ વિભાગ દ્વારા મિલકત જપ્તીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ હવે પ્રોફેશનલ ટેક્સ એટલે કે વ્યવસાય વેરા વિભાગ દ્વારા પણ 9600 થી વધુ પેઢીઓ તે પૈકી જે પેઢીઓએ વર્ષોથી મનપાને વેરો ભરપાઈ કર્યો નથી તેમનું બેંક એકાઉન્ટ ફ્રીજ કરવા સહિતની કાર્યવાહી કરીને પ્રોફેશનલ ટેક્સની વસૂલાત કરવામાં આવશે તેમ સૂત્રોએ કહ્યું હતું