ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના માર્ગો પર રખડતા પશુઓની સમસ્યાના નિવારણ માટે સઘન અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 280થી વધુ આખલાઓને પકડીને રામલીલા મેદાનમાં રાખવામાં આવ્યા છે.
છેલ્લા ઘણા સમયથી ગાંધીધામ અને આદિપુર શહેરમાં રખડતા પશુઓ, ખાસ કરીને આખલાઓ, નિર્દોષ નાગરિકો, વાહનચાલકો અને વૃદ્ધો માટે જોખમ ઊભું કરી રહ્યા હતા. આ મામલે લોકોમાં આક્રોશ વધતા મનપાએ ગત મહિનાથી આખલા પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી.
આ કામગીરી પડકારજનક હોવા છતાં, મનપા દ્વારા નિયુક્ત એજન્સીની ટીમ દરરોજ રાત્રે 15થી 20 આખલાઓ પકડીને રામલીલા મેદાનમાં લાવે છે. આ આખલાઓને દાતાઓના સહયોગથી ઘાસચારો અને પાણી પૂરું પાડવામાં આવે છે. ઉપરાંત, હાલમાં ફરી દેખાયેલા લમ્પી વાયરસથી બચાવવા માટે તેમનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે.
ભવિષ્યમાં, આ પશુઓને ડીપીએ દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટ પર ખસેડવામાં આવશે, જેથી શહેરી વિસ્તારોમાં ટ્રાફિક અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ હળવી થઈ શકે.
પશુપાલકો માટે ચેતવણી
મહાનગરપાલિકાએ આ સમસ્યાને ગંભીરતાથી લઈને તમામ પશુપાલકો માટે એક જાહેર નોટિસ પણ બહાર પાડી છે. નોટિસ મુજબ, જો કોઈ પશુ જાહેરમાં રખડતું જણાશે તો તેને જપ્ત કરવામાં આવશે અને તેના માલિક સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. તમામ પશુપાલકોને ત્રણ દિવસની અંદર પોતાના પશુઓને ખાનગી જગ્યાએ ખસેડવાની તાકીદ કરવામાં આવી છે.