ગાંધીધામ ટુડે, ન્યૂઝ :ગાંધીધામ-આદિપુર અને જોડિયા શહેરોમાં વર્ષો જૂની વરસાદી પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે હવે મહાનગરપાલિકા દ્વારાં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. આગામી ચોમાસા પહેલાં કેટલીક કામગીરી શરૂ થવાની સંભાવના છે.
દર વર્ષે નાળાની સફાઈ માટે ૨૫થી ૩૦ લાખ રૂપિયા ખર્ચાવાયા છતાં પરિણામ અપેક્ષિત રહેતું નહોતું. પાણી ભરાવાથી માર્ગો પર ટ્રાફિકને અસર થતી હતી અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતું હતું. ખાસ કરીને ગાંધીધામના ભારતનગર, મહેશ્વરી નગર, ખોડીયારનગર, વાવાઝોડા, સુંદરપુરી ચાવલા ચોક, નોર્થ અને સાઉથ, આદિપુરમાં વોર્ડ ૧ એ, કેસરનગર, રામબાગ રોડ, લીલાશા ફાટક સહિત જાેડિયા શહેરોના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે.
મ્યુનિસિપલ કમિશનર મિતેશ પંડ્યાએ ગણતંત્ર દિવસે આ યોજનાની જાહેરાત કરી હતી, જે હવે અમલમાં આવી રહી છે. મહાનગરપાલિકા ઘોષિત ૬૦૮ કરોડના બજેટમાંથી ૧૦૦ કરોડ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટે ફાળવવામાં આવ્યા છે. પાઇપલાઇન અને કવર નાળાઓની સ્થાપના ઉપરાંત, નવા સર્વે આધારે આખું આયોજન ઘડાશે.
મુખ્ય બજારમાં ચાવલા ચોકથી સરદાર પટેલ સર્કલ સુધીના નાળાઓ પર અગાઉ પણ ૨૬ લાખ ખર્ચાયા હતા, પણ પરિણામ ન મળ્યું. આ વર્ષે નાળા સફાઈ પાછળ ૮૦ લાખના ખર્ચની યોજના છે. તંત્રનું દાવો છે કે આ વખતની કામગીરી પર સઘન નજર રહેશે.