ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં દબાણની ગંભીર અને લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા પર મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણીના નેતૃત્વ હેઠળ દબાણ હટાવ ઝુંબેશને વેગ મળ્યો છે. 10 ફેબ્રુઆરીથી 13 ઓક્ટોબર 2025 સુધીના 245 દિવસના ગાળામાં મનપાએ 950થી વધુ ગેરકાયદે દબાણો દૂર કર્યાં છે.
મુખ્ય બજારમાં ઐતિહાસિક કાર્યવાહી:
કમિશનરનો ચાર્જ સંભાળ્યાના એક સપ્તાહમાં જ મુખ્ય બજારના રોડ વિથ અને આર્કેડના દબાણો પર ઐતિહાસિક કાર્યવાહી થઈ હતી. વર્ષોથી દબાણ હેઠળ રહેલો પગપાળા ચાલવાનો માર્ગ (આર્કેડ) ખુલ્લો કરાયો હતો. તેમજ, મુખ્ય બજારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલથી મહાત્મા ગાંધી માર્કેટ સુધીના માર્ગો પરના દબાણો હટાવી પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાઈ હતી.
અન્ય મુખ્ય વિસ્તારોમાં કાર્યવાહી:
- 400 ક્વાર્ટર: અહીં વર્ષોથી ગટરલાઈન પર થયેલા અને 100 ફૂટના માર્ગને દબાવી દેનારા દબાણો દૂર કરીને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી. લોકોએ દુકાનો અને ઘરો પણ ગેરકાયદે બનાવી લીધા હતા.
- ગુરુકુળ વિસ્તાર: આ વિસ્તારમાં પણ અતિક્રમણ પર કાર્યવાહી થઈ.
- ગ્રામ્ય વિસ્તારો: મેઘપર-બોરીચી, મેઘપર-કુંભારડી, કિડાણા અને આદિપુરમાં છવાળી વિસ્તારમાં પણ દબાણો પર ઝુંબેશ હાથ ધરાઈ હતી.
શરૂઆતમાં ઘોડા ચોકીથી ઓમ મંદિર અને સુંદરપુરી માર્ગ ઉપરના દબાણો હટાવાયા બાદ ઝુંબેશ થોભી ગઈ હતી, પરંતુ નવા અધિકારીની નિમણૂક પછી તે ફરી શરૂ થઈ છે.
લોકોનો સહકાર અને ખુશી:
ઝુંબેશના ભાગરૂપે હવે વહીવટી તંત્રની મૌખિક કે લેખિત નોટિસ મળતા જ લોકો સ્વેચ્છાએ દબાણો તોડી રહ્યા છે. કાર્યવાહીને કારણે વેપારીઓ અને લોકોને મુશ્કેલી પડી હોવા છતાં, વર્ષો પછી રસ્તાઓ તેના મૂળ સ્વરૂપમાં આવી રહ્યા હોવાથી લોકોએ ખુશી વ્યક્ત કરી છે.
તહેવાર બાદ ઝુંબેશ ફરી શરુ થશે:
હાલમાં દીપાવલીના તહેવારને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ નરમ વલણ અપનાવી, વેપારીઓને રોજગાર-ધંધા માટે તહેવાર પૂરતી કાર્યવાહી સ્થગિત કરી છે. તંત્રના જણાવ્યા મુજબ, દીપાવલીના મહાપર્વ પછી દબાણ હટાવવાની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવશે.