ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામના સેકટર ૧/એમાં કચ્છ કલા રોડ પર એક ચાની લારી બહાર તડકામાં ખુલ્લી જગ્યાએ ગેસનું સિલિન્ડર રાખવામાં આવ્યું હોવાનું જણાયું છે. આ રીતે ગેસ સિલિન્ડરને ખુલ્લામાં રાખવું સલામતીની દૃષ્ટિએ જોખમી સાબિત થઈ શકે છે અને જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે તે એક મોટો પ્રશ્ન છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ચાની લારી પર ગેસ સિલિન્ડરને દિવસભર તડકામાં રાખવામાં આવે છે. ઉનાળાની ગરમીમાં સિલિન્ડરનું તાપમાન વધવાથી કોઈ પણ સમયે વિસ્ફોટ થવાની સંભાવના રહે છે, જેના કારણે આસપાસના લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. વળી, લારીની આસપાસ અવરજવર રહેતી હોવાથી કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ થવાની પણ શક્યતા છે.
આ બાબતે સ્થાનિક રહીશોએ ચિંતા વ્યક્ત કરી છે અને માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે અને ભવિષ્યમાં આવી બેદરકારી ન દાખવે તે માટે સૂચના આપવી જોઈએ.
હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને કોઈ નક્કર કાર્યવાહી કરે છે કે કેમ અને કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં સલામતીની ખાતરી કરે છે કે નહીં.