ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામમાં રાજવી ઓવરબ્રિજનું કામ લાંબા સમયથી ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી લોકોની મુશ્કેલીઓ યથાવત છે. દરરોજ આશરે ૧૦૦ ટ્રેનોની અવરજવર વચ્ચે ૩૦,૦૦૦ જેટલા વાહનો આ ફાટકને પાર કરે છે, ત્યારે ઓવરબ્રિજનું કામ એકતરફી અને ધીમી ગતિએ ચાલતું હોવાથી અનેક સવાલો ઉભા થયા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓવરબ્રિજના બીજી તરફની બીએસએફ કેમ્પની જમીન સંપાદનનું કાર્ય હજુ સુધી પૂર્ણ થયું નથી. જો કે, થોડા દિવસોમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ જમીન સંપાદન પૂર્ણ થયા વિના કામ કેવી રીતે શરૂ કરવામાં આવ્યું તે એક મોટો પ્રશ્ન છે.

રાજવી ઓવરબ્રિજ પરથી દરરોજ આશરે ત્રીસ હજાર વાહનો પસાર થાય છે અને દિવસમાં ૭૦ વાર ફાટક બંધ થતા ૧૦૦ જેટલી ટ્રેનોને રસ્તો આપવામાં આવે છે. વારંવાર ફાટક બંધ થવાના કારણે લોકો પરેશાન થઈ ચૂક્યા છે અને અનેકવાર વિરોધ પ્રદર્શનો પણ થયા છે. ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ પણ આ કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે પત્ર લખ્યો છે.
પરંતુ, ઓવરબ્રિજના કામમાં સર્કલ, સિવિલ લાઈન, વીજતંત્ર, પાણીની લાઈનમાં લીકેજ અને શ્રમિકોની અછત જેવા વિવિધ કારણોસર વિઘ્નો આવ્યા છે અને કામ અટકતું રહ્યું છે. ગત વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં આ કામ આઠ મહિનામાં પૂર્ણ થઈ જશે તેવો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ એક તરફનું કામ ચાલતું હોવાથી આ સમયમર્યાદા હવે શક્ય જણાતી નથી.

બંને તરફના ડાયવર્ઝન રોડ પર દરરોજ ટ્રાફિક જામ થાય છે અને ત્યાં પૂરતી સ્ટ્રીટ લાઈટોની પણ વ્યવસ્થા નથી. માહિતી અનુસાર, ઓવરબ્રિજના નિર્માણ માટે બીએસએફ કેમ્પની જમીનનો કેટલોક ભાગ જરૂરી છે, જેની પ્રક્રિયા હજુ સુધી પૂર્ણ થઈ નથી અને તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવાનો બાકી છે.
આમ, જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષનું શાસન છે, ત્યારે આ પ્રક્રિયામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે તે એક મોટો પ્રશ્ન છે.