ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં પોણા પાંચ વર્ષ પહેલાં એક ૧૬ વર્ષથી ઓછી વયની કિશોરી પર થયેલા સામૂહિક બળાત્કારના કેસમાં અહીંની વિશેષ પોક્સો કોર્ટે બે આરોપીઓને કડક સજા ફટકારી છે. અધિક સેશન્સ કોર્ટના ન્યાયાધીશે બંને આરોપીઓ ખીમજી ઉર્ફે કારો બુધા મહેશ્વરી અને રામજી સવજીને આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે બંને આરોપીઓને ૨૦-૨૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને ભોગ બનનારને સરકાર તરફથી ૩ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
આ કેસની વિગતો અનુસાર, પીડિતાના પિતા કામ પર જતા હોવાથી કિશોરી ઘરે એકલી રહેતી હતી. તેની એકલતાનો લાભ લઈને ખીમજી અને રામજીએ ગત તારીખ ૨૧-૫-૨૦૨૧ના રોજ આ ઘૃણાસ્પદ કૃત્યને અંજામ આપ્યો હતો. ફરિયાદ અનુસાર, આ બંને શખ્સોએ કિશોરીની એકલતાનો ફાયદો ઉઠાવીને વારંવાર તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સમય જતાં કિશોરી ગર્ભવતી બનતા સાતમા મહિને આ ઘટનાની જાણ તેના પરિવારજનોને થઈ હતી, ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પીડિતાની ઉંમર ૧૬ વર્ષથી ઓછી હોવાથી પોલીસે આઈપીસીની કલમ ૩૭૬ (ડી-એ) હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્રિત કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ અધિક સેશન્સ કોર્ટ અને વિશેષ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો, જ્યાં બંને આરોપીઓ સમગ્ર ટ્રાયલ દરમિયાન જેલમાં રહ્યા હતા.
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ કુ. હિતેશી પી. ગઢવીએ ૧૨ સાહેદો, ૫૦ દસ્તાવેજી પુરાવા, મેડિકલ પુરાવા અને ડીએનએ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ડીએનએ રિપોર્ટમાં રામજી સવજી બાળકના જૈવિક પિતા હોવાનું સાબિત થયું હતું. સરકારી વકીલે બંને આરોપીઓએ ગુનો કર્યો હોવાનું શંકા રહિત પુરવાર કર્યું હતું.
બંને પક્ષોની દલીલો, આધાર અને પુરાવાને ધ્યાનમાં લીધા બાદ ન્યાયાધીશે બંને આરોપીઓને તકસીરવાર ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સાથે જ કોર્ટે પીડિતાને સરકાર તરફથી મળતી સહાય પેટે ૩ લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ કુ. હિતેશી પી. ગઢવીએ સરકાર પક્ષે મજબૂત દલીલો રજૂ કરી આરોપીઓને સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ચુકાદાથી પીડિતા અને તેના પરિવારને આંશિક રાહત મળી હશે.