- શહેરમાં શોભાયાત્રાએ લોકોમાં આકર્ષણ જગાવ્યું
- વિવિધ 75 જેટલી ઝાંખીઓ શહેરના મુખ્ય માર્ગો પર નિકળી : સામાજિક, રાજકીય આગેવાનોએ શોભાયાત્રાને આવકારી
ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામ સંકુલ રામનવમીના દિવસે ‘જય શ્રી રામ’ ના નારાથી ગુંજી ઉઠ્યુ હતુ, સમગ્ર શહેરે જાણે અયોધ્યા બન્યું હોય તે રીતે સજાવાયું હતું, તો સનાતન હિંદુ સમાજના વિવિધ સંગઠનોએ શોભાયાત્રામાં ભાગ લઈને તેને અત્યાર સુધીની સૌથી વિશેષ અને મોટી શોભાયાત્રા બનાવી હતી.

સનાતન શ્રી રામ સંગઠન સાથે અખિલ ભારતીય નવયુગ યુવા સંગઠન સહિતના સંગઠનો અને સમાજો દ્વારા શહેર મધ્યે સાંજે કાઢવામાં આવેલી શોભાયાત્રામાં 75 જેટલી વિવિધ દ્રશ્યોને કંડારતી ઝાંખીઓ હતી. તેમજ મોટી સંખ્યામાં ઉત્સાહિત યુવાઓએ વાતાવરણને રામમય બનાવી નાખ્યું હતું.

આયોજનને રાજનેતાઓ, સામાજિક આગેવાનો અને અગ્રણીઓએ લીલીઝંડી આપીને સમગ્ર મુખ્ય બજારમાં ઠેર ઠેર તેનું સ્વાગત કરાયું હતું, તેમજ સરબત, પાણી, નાસ્તા જેવી સેવા પણ કરાઈ હતી. તો દેવાલયોમાં બપોરના બાર વાગ્યે રામજન્મોત્સવ ઉજવાયો હતો, જેમાં લોકો મર્યાદા પુરુષોતમના આગમનની ક્ષણે ઝુમી ઉઠ્યા હતા. આ સાથે ઠેર ઠેર મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું.


