ગાંધીધામ: સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા પર તવાઈ

₹200 થી ₹5,000 સુધીનો દંડ વસૂલાશે

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા 5 જૂન સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત, જો કોઈ પણ વ્યક્તિ, દુકાનદાર કે વેપારી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ કે સંગ્રહ કરતા જણાશે તો તેમને ₹200 થી ₹5,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે.

‘ગ્લોબલી પ્લાસ્ટિક પ્રદુષણનો અંત’ કાર્યક્રમ હેઠળ 22 મેથી શરૂ થયેલી આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણપણે અંકુશ લગાવવાનો છે. મહાનગરપાલિકા દ્વારા લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા વિનંતી કરવામાં આવી છે, જ્યારે હોલસેલર, શેરી વિક્રેતાઓ અને દુકાનદારોને તેનું વેચાણ કે સંગ્રહ ન કરવા માટે કડક ચેતવણી પણ આપવામાં આવી છે.

દંડની જોગવાઈઓ:

શેરી ફેરીયા: પ્રતિ ઉલ્લંઘન ₹500
રીટેલર (દુકાનદાર): પ્રતિ ઉલ્લંઘન ₹1,000
પ્લાસ્ટિક બેગ વેન્ડર: ₹5,000 અથવા ₹200 પ્રતિ કિલો (બંનેમાંથી જે વધારે હોય તે)
નાયબ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન નિયમો 2022 હેઠળ આ દંડ વસૂલવામાં આવશે અને જરૂર પડ્યે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

કચરાના નિકાલ અને પર્યાવરણ સુરક્ષા:

ગાંધીધામ અને આદિપુરમાં સવારના મોર્નિંગ વોક પર જતા નાગરિકો દ્વારા કચરાને સળગાવવાની પ્રવૃત્તિ સામે વારંવાર ફરિયાદ કરવામાં આવે છે. કચરો સળગાવવાથી ઉત્પન્ન થતો પ્રદુષિત ધુમાડો માત્ર ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં, પરંતુ માનવ સ્વાસ્થ્ય, ખાસ કરીને ફેફસાં માટે પણ અત્યંત હાનિકારક છે. મહાનગરપાલિકા દ્વારા આ મુદ્દા પર પણ ધ્યાન આપીને યોગ્ય પગલાં લેવા અનિવાર્ય છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *