ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ સ્થિત ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઈન્ટેલિજન્સ (DGGI) દ્વારા દિલ્હીના બે વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ વેપારીઓ પર બેંકોમાંથી વધુ લોન મેળવવા માટે ખોટા બિલો (ફેક ઇનવોઇસ) બનાવી CIBIL સ્કોર વધારવાનો અને મોટા વેપારનો દેખાવ કરવાનો આરોપ છે. આ બંને વેપારીઓને ભુજની વિશેષ કોર્ટમાં રજૂ કરાયા બાદ હાલ ગળપાદર જેલ હવાલે કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં 100% પેનલ્ટી લાગતી હોવાથી, વિભાગ દ્વારા બંને પર રૂ. 200 કરોડનો જંગી દંડ ફટકારવામાં આવી શકે છે.
સમગ્ર ઘટનાક્રમ
વરુણ લક્ષ્મીનારાયણ ટંડન (વર્સુલ ઈમ્પેક્સના માલિક) અને આશિષ વાસુદેવ મદન (એડમ ઈસ્મિટ પ્રા.લિ. સહિતની કંપનીઓમાં ભાગીદાર) નામના આ બંને વેપારીઓને DGGI, ગાંધીધામ દ્વારા દિલ્હીથી ધરપકડ કરીને ગાંધીધામ લાવવામાં આવ્યા હતા. અગાઉ પણ ચર્ચામાં રહેલી વર્સુલ ઈમ્પેક્સ કંપની સાથે આ કૌભાંડ જોડાયેલું છે.
કૌભાંડની મોડસ ઓપરેન્ડી
આ બંને વેપારીઓ દિલ્હીના રહેવાસી છે, પરંતુ તેમની કંપનીઓ ગાંધીધામમાં નોંધાયેલી છે. તેમણે ફેક ઇનવોઇસની મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. ખરેખરમાં કોઈ વેપાર કે માલસામાનની ખરીદ-વેચાણ ન થયું હોય તેવા બિલો બનાવી, બેંકોમાં ટ્રાન્ઝેક્શન દર્શાવી અને GST પણ ભર્યું હતું. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તેમના વેપારને ઓન-રેકોર્ડ મોટો બતાવવાનો હતો, જેથી બેંકો તેમને મોટી રકમની લોન આપી શકે.
ચોખા, બ્રાઉન રાઈસ અને કોલસાનો વેપાર
આ વેપારીઓ ચોખા, બ્રાઉન રાઈસ અને કોલસાના ટ્રેડિંગ સાથે સંકળાયેલા છે. તેમણે સર્ક્યુલર ટ્રેડિંગનો ઉપયોગ કરીને બેંકો અને આર્થિક હિતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે DGGI હરકતમાં આવી અને બંનેની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે.
રૂ. 200 કરોડના દંડની શક્યતા
સત્તાવાર સૂત્રોએ આ અંગે હાલ કોઈ નિવેદન આપવાનો ઇનકાર કર્યો છે, પરંતુ વિશ્વસનીય સૂત્રોના મતે, અત્યાર સુધીની તપાસમાં બંને દ્વારા રૂ. 100-100 કરોડના ફેક ઇનવોઇસનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારની આર્થિક ગેરરીતિ 100% પેનલ્ટીને આકર્ષિત કરતી હોવાથી, તેમના પર વિભાગ દ્વારા રૂ. 200 કરોડ જેટલી જંગી પેનલ્ટી લગાવવામાં આવી શકે છે.
કાર્યવાહીની અસર
આ સમગ્ર કામગીરી વરિષ્ઠ ઈન્ટેલિજન્સ અધિકારી દીપક ગર્ગની રાહબરી હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી સમાન મોડસ ઓપરેન્ડી અપનાવી નાના સ્તરે કૌભાંડ આચરી રહેલા ઉદ્યોગપતિઓ અને વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘણા વેપારીઓ પોતાના ચોપડા સાફ દેખાડવાના પ્રયાસમાં પોતાના આર્થિક સલાહકારો સાથે મસલત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.