ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ સી.આઈ.એસ.એફ.ના 56મા સ્થાપના દિન અંતર્ગત સુરક્ષિત તટ, સુરક્ષિત ભારતના સૂત્ર સાથે લખપતથી કન્યાકુમારી સુધીની 75 જવાન સાથેની સાઈકલ યાત્રાગાંધીધામ સંકુલ ખાતે આવી પહોંચી હતી. આદિપુરમાં સ્વાગત બાદ ગાંધીધામથી પ્રસ્થાન કરાવાયું હતું.

દેશના તમામ મહાબંદરોની સુરક્ષા વ્યવસ્થા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ હસ્તક છે. સુરક્ષા બળના 56મા સ્થાપના દિનના ઉપલક્ષમાં લખપતથી કન્યાકુમારી સુધીની સાઈકલ યાત્રાને ગત તા. 7ના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રસ્થાન કરાવાયું હતું. આ સાઈકલ રેલી મુંદરા દરીયાઈ વિસ્તાર થઈને આદિપુર આવી પહોંચી હતી. ગાંધી સમાધિ ખાતે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સાઈકલ રેલીમાં જોડાયેલા લોકો ઉપર પુષ્પવૃષ્ટિ કરીને આવકાર આપવામાં આવ્યો હતો.

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પુંજ, માનદમંત્રી મહેશ તિર્થાણી, સહમંત્રી જતીન અગ્રવાલ, એસ.આર.સી.ના ડેપ્યુટી ચેરમેન પ્રેમ લાલવાણી, ચેમ્બર ઓફ કોમર્સના પુર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ એસ.આર.સી.ના ડાયરેકટર નિલેશ પંડયા, મુકેશ લખવાણી, સુધરાઈના પુર્વ પ્રમુખ તેજશ શેઠ સહિતના ઉપસ્થિતોએ મહાત્મા ગાંધીજીની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાઈકલ સવારોને ગાંધીધામથી પ્રસ્થાન કરાવવા માટે સી.આઈ.એસ.એફ. કંડલા દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સાઈકલ યાત્રામાં જોડાયેલા લોકોને શુભેચ્છા પાઠવી સમુદ્રી વિસ્તારની સમસ્યાઓ જાણવાના હેતુથી યોજાયેલી આ યાત્રા મહત્વપુર્ણ બની રહેશે તેવી લાગણી વ્યકત કરી હતી. ડી.પી.એ. ચેરમેન સુશિલકુમાર સિંઘે દરીયાઈ ક્ષેત્રની સુરક્ષાના હેતુથી નીકળેલી આ સાઈકલ યાત્રા મહત્વપુર્ણ બની રહેશે તેવી લાગણી વ્યકત કરીને સૌ યાત્રિકોને શુભેચ્છા પાઠવી હતી. સુરક્ષાની દ્રષ્ટિએ આ મહત્વનું પગલું હોવાની લાગણી તેમણે વ્યકત કરી હતી. બાદમાં ચેરમેન સુશિલકુમાર સિંઘ, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કસ્ટમ કમિશનર એમ. મોહન રાવ, પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર, સી.આઈ.એસ.એફ.ના આઈ જી પિયાલી શર્મા, કંડલાના સીનીયર કમાન્ડન્ટ પંકજ કુમાર, ડીપીએના ઉપાધ્યક્ષ સી. હરીચંદ્રન, સી.વી.ઓ. જે.કે. રાઠોડ, ગાંધીધામ મામલતદાર જાવેદ સિંધી વિગેરેના હસ્તે સાઈકલ યાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. 75 પૈકી 25 સાઈકલ યાત્રીને પ્રસ્થાન કરાવાયું હતું બાકીના 50 યાત્રીકોએ રાત્રીના પ્રસ્થાન કર્યું હતું. આ વેળાએ આશિષ જોષી, ભરત ગુપ્તા, કે.એમ. ઠક્કર, એસ.આર.સી.ના ડાયરેકટર સેવક લખવાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.