ગાંધીધામ ટુડે ન્યુઝ, IPL 2025માં ચેન્નઈ સુપરકિંગ્સ (CSK) તરફથી રમતા રાહુલ ત્રિપાઠીએ ગાંધીધામના ઈફકો ગ્રાઉન્ડમાં પરસેવો પાડ્યો છે તેની ખબર બહુ અોછા લોકોને છે. રાહુલ તેમની ઝડપી બેટિંગ અને મજબૂત પ્રદર્શનને કારણે CSKના ફેન્સમાં તેઓએ ખાસ જગ્યા બનાવી છે અને તેણે સીએસકેની પ્રથમ મેચમાં અોપનિંગ કરી હતી પણ કેટલાય લોકોને ખબર નથી કે રાહુલ ત્રિપાઠીનો ક્રિકેટ પ્રવાસ ગાંઘીધામથી પણ જોડાયેલો છે.

રાહુલ ત્રિપાઠીના પિતા એક આર્મી ઓફિસર હતા અને તેમની પોસ્ટિંગ એક સમયે કચ્છના ગાંધીધામ શહેરમાં થઈ હતી. આ સમયગાળા દરમિયાન, રાહુલ અહીંના ગોપાલપુરી ગ્રાઉન્ડ અને ઈફકો ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતો હતો. ગાંધીધામમાં રહેલા ખેલપ્રેમીઓ માટે આ એક ગૌરવની વાત છે કે IPLમાં આજે જેણે એક મહત્વનું સ્થાન મેળવ્યું છે, તે ક્યારેક અહીંના મેદાનમાં પરસેવો પાડી ચૂક્યો છે. ગાંધીધામમાં ક્રિકેટ રમતા રાહુલ ત્રિપાઠી માટે એ દિવસો ખાસ રહ્યા હતા. સ્થાનિક ખેલાડીઓ અને કોચિસની સાથે રહીને તે પોતાનું ટેલેન્ટ વિકસાવતો રહ્યો. આજે, જ્યારે IPLમાં CSK તરફથી તે એક મહત્વનો ખેલાડી બન્યો છે, ત્યારે ગાંધીધામ માટે પણ આ ગર્વની વાત છે.
રાહુલ ત્રિપાઠી IPLમાં વિવિધ ટીમો તરફથી રમ્યો છે. તે અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે પણ મેદાન પર ઉતર્યો હતો. તેણે ઘણી મહત્વની ઇનિંગ્સ રમી છે, જેમાં વિશેષતઃ 2023ની સિઝનમાં KKR માટે તેનો વિસ્ફોટક પરફોર્મન્સ ખાસ યાદગાર રહ્યો હતો. તેણી બેટિંગ શૈલીની વાત કરીએ તો તે ઓપનિંગ તેમજ મિડલ ઓર્ડરમાં સારી બેટિંગ કરી શકે છે. તેની ઝડપી અને આક્રમક બેટિંગ તેને એક ઉપયોગી ખેલાડી બનાવે છે. CSK માટે તે એક મજબૂત મિડલ ઓર્ડર બેટ્સમેન બનીને સામે આવ્યો છે.
ગાંધીધામનું નામ માત્ર રાહુલ ત્રિપાઠી માટે જ નહીં, પણ અન્ય ક્રિકેટરો માટે પણ ઓળખાય છે. અગ્નીવેષ અયાચી એ એક એવા ખેલાડી છે, જેણે ક્રિકેટમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તેઓ ભુતકાળમાં પંજાબની ટીમમાં સિલેક્ટ થયા હતા અને ટેલેન્ટેડ બોલર તરીકે જાણીતા છે.

રાહુલ ત્રિપાઠી અને અગ્નીવેષ અયાચીનું ઉદાહરણ ગાંધીધામના યુવા ખેલાડીઓ માટે એક મોટો પ્રેરણાસ્રોત છે. સ્થાનિક સ્તરે ક્રિકેટના શોખીનો માટે તે સાબિત કરે છે કે ગાંધીધામ જેવી જગ્યાઓ પણ ભવિષ્યના સ્ટાર ખેલાડીઓને તૈયાર કરી શકે છે. સરકારી સ્તરે પણ જો રમતગમતને વધુ પ્રોત્સાહન મળે તો આવનારા દાયકાઓમાં અહીંથી વધુ ખેલાડીઓ IPL અને ભારતીય ટીમ સુધી પહોંચવાની સંભાવનાઓ છે.
આજનું IPL, જ્યાં મોટી-મોટી ટીમો એકબીજા સામે મુકાબલો કરે છે, તેમાં ગાંધીધામના મેદાનમાં રમેલા ખેલાડી જો ચમકતા હોય, તો એ શહેરના રમતપ્રેમીઓ માટે ગૌરવની વાત છે. IPLમાં સફળ થવા માટે કઠોર મહેનત, સમર્પણ અને ટેલેન્ટ જરૂરી છે, અને આ બંને ખેલાડીઓ એ સાબિત કરે છે કે તેઓ આ બધું પૂરું પાડે છે.