ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામમાં ધાર્મિક વિધિના બહાને એક મહિલા પાસેથી રૂ. 14.40 લાખના સોનાના આભૂષણો પડાવી લેવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. શહેરના વોર્ડ નં. 7/ડી વિસ્તારમાં બી.એસ. એન્ટરપ્રાઈઝ નામનું ટિમ્બર ચલાવતા દિનેશકુમાર ભાણજી પટેલે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદીનાં પત્ની ગીતાબેનને આરોપીઓએ ધાર્મિક વાતોમાં ફસાવી ખોટા સમયે સોનું આવી ગયું હોવાનું જણાવી તેની વિધિ કરવાનું કહ્યું હતું. સોનાના શુદ્ધિકરણ માટે ધાર્મિક વિધિના બહાને ઠગ ટોળકીએ 36 તોલાના સોનાના દાગીના ચાલાકીથી લઈ લીધા હતા.
પૂર્વ કચ્છ પોલીસે જુદી-જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને એલ.સી.બી. પોલીસે આરોપીઓની બોલવાની અને ચાલવાની રીત, કપડાં વગેરે જેવી માહિતી એકત્રિત કરી સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડ્યા હતા. આ કેસમાં પોલીસે સાધુનો વેશ ધારણ કરનાર આરોપી તુફાનનાથ ઉર્ફે શેતાનનાથ મીરકાનાથ વાદી, દાદાગુરુ બનનાર આરોપી જુલાનાથ રૂમાલનાથ વાદી અને દેવનાથ પોપટનાથ વાદીની ધરપકડ કરી હતી.
તહોમતદારો પાસેથી સોનાના ત્રણ હાર (વજન 168.960 ગ્રામ), સોનાની ચાર બંગડીઓ (વજન 109.520 ગ્રામ), ચાર સોનાની વીંટી (વજન 25.260 ગ્રામ), સોનાની પાંચ ચેન (વજન 76.830 ગ્રામ), સોનાના બે બ્રેસલેટ અને એક પોચી (વજન 56.100 ગ્રામ), 100 ગ્રામનું સોનાનું બિસ્કિટ (કુલ કિંમત રૂ. 21,46,680) તથા ત્રણ મોબાઈલ ફોન (કિંમત રૂ. 15 હજાર), મોટરસાયકલ (કિંમત રૂ. 15 હજાર) અને સાધુના ઉપયોગમાં લેવાતું ધાતુનું કમંડળ સહિત કુલ રૂ. 21,76,680નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આરોપી સાધુઓ વેશ ધારણ કરી હાથમાં કમંડળ લઈને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ફરતા હતા. ઘરમાં એકલી રહેતી મહિલાઓ સાથે ધાર્મિક વાતો કરી વિશ્વાસમાં લઈ તેમને નડતર હોવાનું કહી ઘરના આભૂષણો શુદ્ધ કરવાના બહાને લઈ જતા હતા, તેમ પોલીસે વધુમાં જણાવ્યું હતું.