કચ્છના કુરનમાં કન્યા કેળવણી મહોત્સવ – મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી ભવિષ્યની ભેટ

કચ્છના કુરનમાં કન્યા કેળવણી મહોત્સવ – મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી ભવિષ્યની ભેટ કચ્છના કુરનમાં કન્યા કેળવણી મહોત્સવ – મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી ભવિષ્યની ભેટ
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના સરહદી પ્રથમ ગામ કુરન ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
  • શાળામાં પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી મુખ્યમંત્રીશ્રીએ ઉષ્માભેર આવકાર્યા
  • ઓપરેશન સિંદૂરની સફળતા અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિ બદલ કુરનના ગ્રામજનોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:

  • કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા 4100 શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શાળા, શિક્ષણ અને સમાજ વિકાસના દ્રષ્ટિકોણને કારણે મહારાષ્ટ્ર સરહદથી લઈ કચ્છ સરહદ સુધી ઠેર ઠેર વિકાસની ઝલક જોવા મળે છે
  • મુખ્યમંત્રીશ્રી દ્વારા કચ્છ જિલ્લાના રૂ.૧૦૭.૬૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત કરાયું

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :  કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025 અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના સરહદી પ્રથમ ગામ કુરન ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને બાળ વિદ્યાર્થીઓને ઉષ્માભેર આવકાર આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.

Advertisements

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી પ્રથમ ગામ કુરનના ગ્રામજનોને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા અને શિક્ષણ પ્રત્યેની તેમની જાગૃતિ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ ગામ અને સમગ્ર વિસ્તારમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અભૂતપૂર્વ છે અને અભ્યાસ છોડી દેનાર બાળકોનું શાળામાં પુનરાગમન એ સફળતાનો જીવંત પુરાવો છે.

મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે માત્ર શાળામાં પ્રવેશ મેળવવો પૂરતો નથી, પરંતુ અભ્યાસ પૂર્ણ કરવો તે પણ એટલું જ જરૂરી છે. તેમણે અભ્યાસ છોડી ગયેલા બાળકોને શાળામાં પાછા લાવવા માટે પ્રયત્નશીલ વિવિધ સંસ્થાઓ અને વાલીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આજની દરેક સમસ્યાનું સમાધાન શિક્ષણમાં જ છે. આ અંગે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણને બિરદાવતા જણાવ્યું કે, તેમણે શાળા, શિક્ષણ અને સમાજના વિકાસ પર સતત ભાર મૂક્યો અને રાજ્યના છેવાડાના ગામો સુધી પાયાની તમામ જરૂરિયાતો પૂરી કરીને વિકાસને રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડ્યો છે.

ગુજરાત રાજ્યની સ્થાપના 1960માં થઈ ત્યારે રાજ્યના વિકાસ સામે અનેક પડકાર હતા. પરંતુ વડાપ્રધાનશ્રીએ નર્મદાના નીરને રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડી, રોડ-રસ્તા અને વીજળી સહિતના વિકાસ કાર્યો હાથ ધરી, તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી ગુજરાતને વિકાસના પંથે અગ્રેસર કર્યું, જેના સુખદ ફળો આજે આપણે સૌ ભોગવી રહ્યા છીએ. મહારાષ્ટ્ર સરહદથી લઈને કચ્છ સરહદ સુધી આજે ઠેર ઠેર વિકાસની ઝલક જોવા મળે છે, જે દર્શાવે છે કે સરકાર લોકોની દરેક સમસ્યાનું સમાધાન લાવવા અને તેમની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીશ્રીએ 2001ના ભૂકંપ પછી કચ્છના પુનરુત્થાનને કચ્છી લોકોના જુસ્સા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કચ્છ પ્રત્યેના પ્રેમને આભારી ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન સહિતના ઉદ્યોગો માટે આજે કચ્છ એક મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ધોરડોનો રણોત્સવ પ્રવાસનનું વૈશ્વિક તોરણ બન્યો છે અને વિશ્વના નકશા પર અંકિત થયો છે, જે વડાપ્રધાનશ્રીની દૂરંદેશિતાનો લાભ સૌને મળી રહ્યો છે તે દર્શાવે છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે 4100 શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે, આ શિક્ષકો કચ્છમાં જ રહી પોતાની ફરજ બજાવશે. તેમણે ઉપસ્થિત સૌને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી, અને બાળકોને શિક્ષણ મળે તે માટે પ્રેરણા પૂરી પાડી હતી. સાથે જ, મુખ્યમંત્રીશ્રીએ કુરન ગામના રેવન્યૂ સહિતના પ્રશ્નો અંગે પણ હકારાત્મક સમાધાન લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવમાં દરેક બાળક નિયમિત શાળાએ જાય તે જોવાની જવાબદારી તંત્રની સાથે વાલીની પણ છે. આપણું બાળક સમયસર શાળાએ મોકલશું તો તેમનું ભવિષ્ય ઉજળું બનશે. બાળકો તેમની રુચિ મુજબના વિષયમાં આગળ વધી સફળ બને તેમાં સૌથી મોટી ભૂમિકા શિક્ષકની છે. વધુમાં તેમણે બન્ની વિસ્તારને કરોડોના ખર્ચે સિંચાઈ, રોડ અને ઉર્જા સહિતના અનેકવિધ વિકાસકાર્યોની ભેટ આપવા તેમણે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમ દરમિયાન કચ્છમાં કુલ રૂ. ૧૦૭.૬૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ પૈકી, રૂ. ૩૯.૯૩ કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં ગાંધીધામના વિવિધ વિસ્તારમાં રૂ. ૮.૬૮ કરોડના ખર્ચે રોડની કામગીરી, અંજાર અને ગાંધીધામ ખાતે અનુક્રમે રૂ.૮.૬૩ કરોડ અને રૂ. ૮.૫૧ કરોડના ખર્ચે મામલતદાર કચેરીઓ, ગાંધીધામ ખાતે રૂ. ૪.૬૧ કરોડના ખર્ચે સી-ટાઈપ ક્વાટર્સ, રૂ. ૩.૨૫ કરોડના ખર્ચે બી-૧ ટાઈપ ક્વાટર્સ અને રૂ. ૨.૭૪ કરોડના ખર્ચે સબ રજિસ્ટ્રાર કચેરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માંડવી ખાતે આઈ.ટી.આઈ.માં રૂ. ૩.૫૧ કરોડના ખર્ચે સ્ટાફ ક્વાટર્સનું પણ ઈ-ખાતમુહૂર્ત થયું.


વધુમાં, રૂ. ૬૭.૬૭ કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. આમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ખાતે રૂ. ૨૫.૮૨ કરોડના ખર્ચે નવી ઔદ્યોગિક વસાહતના એપ્રોચ અને આંતરિક રસ્તાના કામોનો સમાવેશ થાય છે. શિક્ષણ વિભાગ અંતર્ગત કચ્છ જિલ્લાની ૨૭ પ્રાથમિક શાળાઓમાં રૂ. ૨૨.૮૦ કરોડના ખર્ચે કુલ ૧૨૦ નવીન ઓરડા અને રૂ. ૧૫.૩૦ કરોડના ખર્ચે કચ્છ જિલ્લામાં ૬ માધ્યમિક શાળા અને ૩ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નવીન શાળાનું કામ પણ લોકાર્પિત થયું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂ. ૨.૫૪ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દર્શડી અને તલવાણા (માંડવી) અને રૂ. ૧.૨૧ કરોડના ખર્ચે ભુજ ખાતે વેક્સિન સ્ટોરનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન વિવિધ સંસ્થાઓ તથા સંગઠનોએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કર્યું હતું. સાથે જ શાળાના વિદ્યાર્થીઓએ કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સંસ્થાઓને મુખ્યમંત્રીશ્રીએ સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના “એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે” ના સંકલ્પને સાકાર કરવા સમગ્ર કચ્છ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આ વર્ષે જિલ્લામાં કુલ ૧,૩૪,૦૬૭ બાળકો વિવિધ શૈક્ષણિક સ્તરે પ્રવેશ મેળવશે. જેમાં બાલવાટિકામાં ૩૦,૨૮૨ બાળકો, ધોરણ ૧ માં ૪૫,૯૪૬ બાળકો, ધોરણ ૯ માં ૩૮,૦૭૫ અને ધોરણ ૧૧ માં ૧૯,૭૬૪ બાળકોનો સમાવેશ થાય છે.

Advertisements

આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિલાવરસિંહ સોઢા, અગ્રણી સર્વશ્રી દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ આચાર્ય, કુરન ગામના સરપંચશ્રી પ્રવિણગર ગુસાઈ, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, ડી.સી.એફ. જયન પટેલ અને કુરન ગામ અને આજુબાજુના ગ્રામજનો, કુરન પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓ તથા બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment