ગાંધીધામ ટુડે, ન્યૂઝ: વૈશ્વિક સ્તરે ટ્રેડવોરની પરિસ્થિતિને પગલે મંદીની ભીતિ વધી રહી છે. આર્થિક અનિશ્ચિતતાના વાતાવરણમાં ફોરેક્સ અને શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરિણામે, રોકાણકારોએ કિંમતી ધાતુઓ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના કારણે સોનાના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે.
આજે ભારતમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટીને વટાવી ગયો છે. અમદાવાદમાં પણ ગઈકાલે સોનું 99,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વિક્રમજનક ઊંચાઈએ પહોંચ્યું હતું. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં આવેલા ઉછાળાની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળી રહી છે અને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાએ નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી છે.
દિલ્હીમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ 1,650 રૂપિયાના ઉછાળા સાથે 99,800 રૂપિયા પર પહોંચ્યો હતો, જેનો છૂટક ભાવ 1,00,000 રૂપિયાને પાર કરી ગયો છે. MCX પર સોનું 98,910 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ટોચે ટ્રેડ થઈ રહ્યું હતું. અમદાવાદમાં પણ આજે સોનાનો ભાવ વધીને 1,00,000 રૂપિયાની સપાટીને વટાવી જાય તેવી પૂરી સંભાવના છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના નિર્ણયની ટીકા કરવામાં આવતા અમેરિકામાં રાજકીય તણાવ વધ્યો છે. ફેડરલ રિઝર્વે અમેરિકામાં ફુગાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ ઉપરાંત, ટેરિફને કારણે વૈશ્વિક સ્તરે આર્થિક મંદીનું સંકટ ઘેરાઈ રહ્યું હોવાથી રોકાણકારો સોના જેવી સુરક્ષિત સંપત્તિ તરફ વળ્યા છે. સ્પોટ ગોલ્ડ 3,494.66 ડોલર પ્રતિ ઔંસની સર્વકાલીન ઊંચાઈને સ્પર્શ્યા બાદ 1.7 ટકાના વધારા સાથે 3,482.26 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
ચાલુ કેલેન્ડર વર્ષમાં અમદાવાદમાં સોનાના ભાવમાં રેકોર્ડ સ્તરે 26.43 ટકાનો વધારો નોંધાયો છે. 31 ડિસેમ્બરના રોજ ભાવ 78,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે ગઈકાલે 99,500 રૂપિયા થયો હતો. ચાંદીમાં પણ 12.14 ટકાનું નોંધપાત્ર વળતર જોવા મળ્યું છે. ખાસ કરીને એપ્રિલ મહિનામાં જ સોનાના ભાવમાં 6,000 રૂપિયાનો મોટો ઉછાળો આવ્યો છે.