સોશિયલ મીડિયા અને મોબાઇલના ઉપયોગને લઈ સરકાર SOP બનાવશે

સોશિયલ મીડિયા અને મોબાઇલના ઉપયોગને લઈ સરકાર SOP બનાવશે સોશિયલ મીડિયા અને મોબાઇલના ઉપયોગને લઈ સરકાર SOP બનાવશે

ગાંધીધામ ટુડે, ન્યુઝ : અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ હાલના સમયમાં વાલીઓ દ્વારા બાળકોને અભ્યાસ બાબતે કરાતા પ્રેશરને લઈ ચોંકાવનારું નિવેદન કર્યું છે. પાનશેરિયાએ કહ્યું હતું કે બાળકને ટકા લાવવા માટે પ્રેશર કરીને વાલીઓ તેના દુશ્મન બની રહ્યાં છે. બાળકને શિક્ષણ આપી ડોક્ટર કે એન્જિનિયર નહીં, પણ એ સહકારી, વિવેકી અને વ્યસનમુક્ત બને એ જરૂરી છે. આ ઉપરાંત મારફાડવાળી વીડિયો ગેમની બાળકોના માનસ પર પડતી નેગેટિવ અસરને લઈ ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે બાળકો દ્વારા થતા મોબાઈલના અને સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે સરકાર બૌદ્ધિકો સાથે ચર્ચા કરી રહી છે, એને લઈ SOP તૈયાર કરવામાં આવશે.

શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે મોબાઈલનું દૂષણ અમરેલીમાં બનેલી ઘટના એકમાત્ર સેમ્પલ છે. બાળકો મોબાઇલને કારણે ડેન્જર વસ્તુઓના પ્રયોગ કરે છે. બ્લેડથી શરીર પર ઘા મારે છે. વીડિયો ગેમમાં જેમ મારફાડ કરવામાં આવે છે એ જોઈને બાળકો પણ હિંસાત્મક પ્રવૃત્તિ કરે છે. બાળકોને રોકવા માટે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સીએમ નિષ્ણાતો સાથે સંવાદ કરી રહ્યા છે. આ અંગેની માર્ગદર્શિકા પણ બનાવવામાં આવશે, જે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.

આજકાલનાં માતાપિતા બાળકને ડોક્ટર, એન્જિનિયર કે અન્ય ફિલ્ડમાં મોકલવા ઈચ્છે છે, પરંતુ આવનારાં 10 વર્ષ બાદ માતા-પિતાની ચિંતા હશે કે તેમનું બાળક શિક્ષિત અને વિવેકી બને, કારણ કે અત્યારે યુવાનો ડિપ્રેશન અને ડ્રગ્સનો શિકાર બની રહ્યા છે, જેના કારણે યુવાધનને યોગ્ય માર્ગે લઈ જવાં જોઈએ. યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ અને યોગ્ય શિક્ષણ આપવું જોઈએ. અત્યારે માતાપિતા બાળકને પ્રેશર કરે છે. અત્યારથી જ બાળકને 90% લાવવાનો ટાર્ગેટ આપે છે, જેના કારણે માતાપિતા બાળકના દુશ્મનો બને છે. બાળક જાત મહેનત કરે અને આગળ આવે એ વધુ મહત્ત્વનું છે. બાળક પાસેથી વધુ અપેક્ષા ના રાખવી જોઈએ. બાળકને પ્રેમ અને સદભાવનાનું વાતાવરણ મળી રહે એવું કરવું જોઈએ.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *