ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ અને આદિપુર શહેરમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ પરમાર, શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિવિધ મંદિરોમાં દર્શન અને પૂજન અર્ચનમાં જોડાયા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત સ્વામી લીલાશાહ કુટિયાના ગાદીપતિ મહંત પૂજ્ય ગુરુજનોના દર્શન અને પૂજનનો પણ સમાવેશ થતો હતો, જ્યાં સૌએ સંતો અને મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ અગ્રણીઓએ ગુરુ પૂર્ણિમાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને ગુરુના આશીર્વાદ જીવનમાં શાંતિ અને પ્રગતિ લાવે છે તેવું જણાવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી, ગાંધીધામ શહેર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા, જેમણે ગુરુ ભક્તિનો મહિમા વ્યક્ત કર્યો હતો.

આ ઉજવણી શહેરભરમાં આધ્યાત્મિક અને ધાર્મિક વાતાવરણથી છવાઈ ગઈ હતી.