ગાંધીધામ ટુડે, ન્યૂઝ : “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી”ના જયઘોષ સાથે સમગ્ર આદિપુર શહેર તાજેતરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના રંગે રંગાઈ ગયું હતું. શ્રી જન્માષ્ટમી ઉત્સવ સમિતિ, આદિપુર દ્વારા આયોજિત ભવ્ય મટકી ફોડ અને શોભાયાત્રા કાર્યક્રમમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મહોત્સવમાં 150થી વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા, જેમણે ઉત્સવને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

આયોજનની શરૂઆત શ્રી લક્ષ્મી નારાયણ મંદિરે ભગવાનની આરતી અને આરાધનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ, મહોત્સવની શોભાયાત્રા ધામધૂમથી આગળ વધી હતી, જેમાં 111 મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા 6વાડી 80 લાઇન, મેન માર્કેટ, મદન સિંહ ચોક, ચોસઠ બજાર, ગાંધી સમાધિ અને મૈત્રી રોડ થઈને સંતોષી માતા મંદિર પર પહોંચી હતી. ત્યાં ભગવાનની આરતી સાથે આ ભવ્ય મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ગાંધીધામ મહાનગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ તેજસભાઈ શેઠ સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગાંધીધામ શહેર ભાજપના અધ્યક્ષ વિજયભાઈ પરમાર, મહામંત્રી મનોજભાઈ મૂલચાંદાણી, વિજયસિંહ જાડેજા, પૂર્વ કાઉન્સિલર કમલેશભાઈ પરિયાણી અને અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા.
સમસ્ત આયોજનનું સંચાલન શ્રી જન્માષ્ટમી ઉત્સવ સમિતિ, આદિપુર દ્વારા કરવામાં આવ્યું હતું, જેના પ્રમુખ મનીષ ભાનુશાલીએ આ વિશે માહિતી આપી હતી. આ ભવ્ય આયોજનમાં પ્રેમ ધનવાણી, રવિભાઈ મુલચંદાણી, ગિરધરભાઈ ભટ્ટી સહિત આદિપુરના સમસ્ત વ્યાપારી ગણે પણ સહકાર આપી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.