ગાંધીધામ ટુડે, ન્યૂઝ : મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે નવા બ્રિજના નિર્માણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજના નવા નિર્માણ માટે રૂ. 212 કરોડની વહીવટી મંજૂરી આપી છે. આ નવો ટુ-લેન હાઈલેવલ બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત બ્રિજની સમાંતર બનાવાશે.

હવે નવા બ્રિજ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં તેનું સર્વે કાર્ય પૂર્ણ કરીને ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરાયો છે. નવા બ્રિજના નિર્માણ માટે અંદાજિત 18 મહિનાનો સમય લાગશે.
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેના પરિવહન પર ગંભીર અસર થઈ હતી. લોકો માટે રોજગારી, શિક્ષણ અને સામાજિક કાર્યોમાં અવરોધ ઉભો થયો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઝડપથી નિર્ણય લઈને બ્રિજ માટે તાત્કાલિક મંજૂરી આપી છે.

નવો બ્રિજ માત્ર વાહનવ્યવહાર નહીં પરંતુ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને ફરીથી સુરક્ષિત અને સજ્જ જોડાણ આપશે. બ્રિજ પૂરું થતાં લોકો માટે સંચાર વધુ સરળ અને સુગમ બની રહેશે.
નવો હાઇલેવલ ટુ લેન બ્રિજ બનવાથી વાહનવ્યવહાર પુનઃસુચારુ બનશે અને લોકો માટે આરામદાયક અને સલામત મુસાફરી શક્ય બનશે.