ગાંધીધામ ટુડે, ન્યુઝ :ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ બિલ રજુ કરાયું છે. એટલે કે, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958ની કલમ 62-ક (3), 9માં ઉલ્લેખિત જોગવાઈનું પાલન ન કરનાર કે સ્ટેમ્પ ડ્યુટી વસૂૂલીને જમા કરાવવામાં નિષ્ફળ જવું અથવા ખોટી માહિતી આપવા બદલ દંડમાં વધારો ઝીંક્યો છે. રૂપિયા 200ના બદલે હવે 1 લાખ કરાતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.

ગુજરાત વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે ત્યારે સરકારે ગુજરાત સ્ટેમ્પ અમેન્ડમેન્ટ બિલ, 2025 વિધાનસભામાં રજુ કર્યુ છે. બિલમાં અધધધ રૂપિયા 1 લાખ કરાતાં ડ્યુટી ન ભરતાં લોકો માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ દંડની રકમ રૂપિયા 200 હતી તે વધારીને રૂપિયા 1 લાખ કરવામાં આવી છે. નવા સુધારા ખરડામાં આ જોગવાઈ દાખલ કરાતા સ્ટેમ્પ ડ્યુટી નહીં ભરનારાઓએ હવે ચેતી જવું પડશે.

નવા સુધારા ખરડા બિલ માં કેટલીક જોગવાઈમાં ઓછામાં ઓછો રૂપિયા 10 હજારનો દંડ ભરવો પણ ઉલ્લેખ છે. કલમ 62 Aની કલમ 1 થી 3માં રૂપિયા 200ના બદલે 50 હજાર કરવામાં આવી છે. તેમજ દંડની જંગી રકમ જાળવીને રકમમાં ઘટાડો કરવાની કલેક્ટર ને સૂચના આપવામાં આવી છે.
કલમ 62-A ના પ્રથમ વખત ઉલ્લંઘન માટે 500 રૂપિયા દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. દોષિત ઠરનાર વ્યક્તિને 5,000 રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઈ છે. કલમ 62-A ની જોગવાઈઓનું બીજી વખત ઉલ્લંઘન કરવા બદલ 1,000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી રહી છે. ત્રીજી વખત અને ત્યારબાદ એક જ ગુનો કરવા બદલ 2,000 રૂપિયાના દંડ અને બે વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
નવાઈની વાત એ છે કે કોર્ટને જેલની સજા ફટકારવાનો અધિકાર છે, પરંતુ આ બિલ દ્વારા આ અધિકાર સ્ટેમ્પ અધિકારીને આપવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. કલમ 34 હેઠળ દંડ હાલની સરખામણીમાં દસ ગણો વધારવામાં આવ્યો છે. બજેટમાં મૃતકના વારસદાર પુત્ર કે પુત્રીને માત્ર 200 રૂપિયાના સ્ટેમ્પ દ્વારા મિલકત ટ્રાન્સફર કરવાની જોગવાઈ રજૂ કરવામાં આવી છે, જેમાં અન્ય કોઈ ફી ચૂકવ્યા વિના મિલકત ટ્રાન્સફર કરી શકાય છે.