સ્ટેમ્પ ડ્યુટીમાં રાજ્ય સરકારના મોટા ફેરફાર: મોંઘવારી વચ્ચે નાગરિકોને મોટી રાહત

ગાંધીધામ ટુડે ન્યુઝ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં પ્રજાલક્ષી ફેરફારો કરીને સામાન્ય નાગરિકો અને મિલકત ધારકોને રાહત આપવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. આ સુધારાઓ ૧૦મી એપ્રિલ, ૨૦૨૫થી રાજ્યભરમાં અમલમાં આવશે.

મુખ્ય સુધારા મુદ્દા:

  • અવસાન પામેલી પુત્રીના વારસદારો માટે હવે હક્ક કમી માત્ર ₹200 સ્ટેમ્પ ડ્યુટીએ થશે.
  • ₹1 કરોડ સુધીની લોન માટે મહત્તમ ₹5,000 સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવામાં આવી છે.
  • વધારાની જામીનગીરી પર હવે ફિક્સ ₹5,000 ડ્યુટી લાગુ પડશે.
  • ₹10 કરોડથી વધુ લોન માટે હવે ડ્યુટીની મહત્તમ મર્યાદા ₹15 લાખ સુધી વધારવામાં આવી છે.
  • એક કરતાં વધુ બેંકો પાસેથી લોન લેનાર માટે ડ્યુટી મહત્તમ ₹75 લાખ સુધી જમાવવાની રહેશે.

અન્ય મહત્વપૂર્ણ જોગવાઈઓ:

  • ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરેલી હોય અને અરજદાર સ્વેચ્છાએ ડ્યુટી ભરવા આવે તો મહત્તમ 4 ગણી રકમ વસૂલાશે.
  • તંત્ર દ્વારા ડ્યુટીની ચોરી પકડાય તો મહત્તમ 6 ગણી રકમ સુધી દંડ લાગશે.
  • ભાડા પટ્ટાના કિસ્સામાં હવે રહેણાંક માટે ફિક્સ ₹500 અને કોમર્શિયલ માટે ₹1000 જમાવશે.
  • બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ન ભરાય તો તેમની જવાબદારી નક્કી કરાઈ છે.

સરકારનો ઉદ્દેશ:

આ સુધારાઓથી સામાન્ય નાગરિકો, ઉદ્યોગકારો તથા હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં રાહત મળશે. વિવાદાસ્પદ વારસાકીય મામલાઓમાં સ્પષ્ટતા અને સરળતા લાવવામાં આવી છે, જેથી કોર્ટ કેસ ઘટે અને ન્યાયપ્રણાલી પર ભાર ઓછો થાય. મહેસૂલ વિભાગના આ પગલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @2047 ના વિઝનને આકાર આપે છે અને ગુજરાતના “Ease of Doing Business” ને એક પગથિયું આગળ ધપાવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે. સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં ૧૦મી એપ્રિલ, ૨૦૨૫, ગુરુવારથી અમલી થશે. રાજ્યના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈઓમાં જે સુધારા-વધારા કર્યાં છે તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુખ્યત્વે આ મુજબ છે –

  • વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂ.૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે.
  • રૂ.૧ કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.૫,૦૦૦/-ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
  • રૂ.૧૦ કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત/હાઇપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ.૮,૦૦,૦૦૦/-ની ડ્યુટીની હાલની જોગવાઇમાં વધારો કરીને તે રૂ.૧૫,૦૦,૦૦૦/- કરવામાં આવી છે. પરંતુ, એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ.૭૫,૦૦,૦૦૦/- સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
  • વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.૫,૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
  • ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટથી તારીખથી માસિક બે ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે.
  • તે જ રીતે, સ્ટેમ્પ ડ્યુટીવની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં તો તેવા કિસ્સામાં માસિક ૩ ટકાના દરે પરંતુ મહત્તમ ૬ ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઇ કરવામાં આવી છે.
  • એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના ૧%ની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાંક(રેસિડેન્સિયલ) માટે ફિક્સ રૂ.૫૦૦/- અને વાણિજ્ય(કોમર્શિયલ) માટે રૂ.૧૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની જોગવાઇ કરી છે.
  • ગીરોખતના કિસ્સામાં જો બેંકો/નાણાંકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરાવવામાં નહિ આવે, તો તેવા કિસ્સામાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યુટી ભરપાઇ કરવાની જવાબદારી બેંકો/નાણાંકીય સંસ્થાઓની રહેશે.
  • ઉપરાંત, અસલ લેખ (ઓરિજિનલ ડોક્યુમેન્ટ)ની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા ડોક્યુમેન્ટની નકલ ઉપર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે તેવી જોગવાઇ પણ આ એક્ટમાં કરવામાં આવી છે.
    રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ની જોગવાઇઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યુટીમાં સુધારા વધારા મૂળ ડ્યુટી માટે કરવામાં આવેલા છે. તેમાં કાયદાની જોગવાઇઓ મુજબ વધારાની ડ્યુટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે. આના જોગવાઈઓથી ઉધોગકારો તેમજ હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થાય તેવો સરકારે પ્રયત્ન કર્યો છે. વડીલોપાર્જિત મિલકતમાંથી હક્ક કમી કરવાના કિસ્સામાં ઉપસ્થિત થતાં અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઇઓ સંબંધે ઉપસ્થિત થતાં કોર્ટ મેટર્સ-લીટીગેશન્સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યાં છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા-રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનમાં સિટિઝન સેન્ટ્રિક આ નિર્ણયોથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ લોકોપયોગી બનાવી શકાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયોની ભૂમિકા આપતાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનના વેચાણ, તબદીલી તથા હેતુફેર/ શરતફેરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથા પ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વમંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે. ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રિમિયમ પણ ભરવાનું રહે છે. મુખ્યમંત્રીશ્રીએ આવા કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. તે અનુસાર રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે.

આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે અને આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે (suo-motu) નોંધ પાડવાની રહેશે. પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ ક્રાંતિકારી નિર્ણયોના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. બિનખેતી હેતુ માટે પ્રિમિયમને પાત્ર જમીનો ઉપર ઉદ્યોગ, ધંધા,વેપાર સ્થાપવા માટે જૂનીશરતમાં ફેરવવાની જરૂર નહીં રહેવાના કારણે ઔદ્યોગિકરણ તથા વિકાસને વેગ મળશે, રોજગારી તથા રાજ્યનો જી.ડી.પી. પણ વધશે. નાના ખેડૂતો કે જમીન ધારકોના જીવન ધોરણમાં સુધારો થશે અને જમીનધારકોને વેચાણ સમયે પૂરતું મૂલ્ય મળશે. તથા સરકારી કચેરીઓમાં પ્રિમિયમ ભરવા જવામાંથી મુક્તિ મળશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્યના મહેસૂલ વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યુ કે, વિકાસને વેગવંતો બનાવવા રાજ્ય સરકારે લોકાભિમુખ વહીવટની પરંપરાને આગળ ધપાવીને મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર આપવાની જે વ્યવસ્થા ઊભી કરી છે તેની મુખ્ય બાબતો આ પ્રમાણે છે –

  • સંબંધિત કલેકટરશ્રીને અરજી કર્યાની તારીખથી ૩૦ દિવસમાં નિર્ણય કરવાની જેાગવાઈ કરવામાં આવી છે.
  • પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો ૧૦ દિવસમાં પ્રિમિયમ/દંડ/રૂપાંતરણ/વિશેષધારો ભરવા માટે જાણ કરવામાં આવશે.
  • પ્રમાણપત્ર વિના પણ બિનખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એ પણ કર્યો છે કે, ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત/ બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી ૨૫ વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને લેવાનું રહેશે નહિ. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે એમ પણ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ નિર્ણયોથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ મુજબના વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશા વધુ વેગવાન બનશે. ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી એક ડગલું આગળ વધીને “કમ્ફર્ટ ઓફ ડુઈંગ બિઝનેસ” અને મેક્ઝિમમ ગવર્નન્સ-મિનિમમ ગવર્નમેન્ટ ચરિતાર્થ થશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *