ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉનાળામાં લોઅર જયુડિશીયરીમાં રૂટિન ટ્રાન્સફરની પ્રક્રિયા અંતર્ગત રાજ્યભરના ન્યાયાધીશોની મોટા પાયે આંતરજિલ્લા બદલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કુલ 466 ન્યાયાધીશોને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવી નિમણૂક આપવામાં આવી છે.
આ પરિવર્તનમાં 203 સિવિલ જજ તથા 200 સિનિયર સિવિલ જજોની આંતરજિલ્લા બદલી કરવામાં આવી છે. ઉપરાંત, ડિસ્ટ્રિક્ટ જજની કેડરમાંથી 63 જજોને પણ અન્ય જિલ્લાઓમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.
હાઈકોર્ટ દ્વારા ટ્રાન્સફર પ્રક્રિયા નિયમિત વાર્ષિક આયોજનના ભાગરૂપે કરવામાં આવે છે, જેના માધ્યમથી ન્યાયિક વ્યવસ્થામાં કાર્યક્ષમતા અને ન્યાયની સમાન ઉપલબ્ધતા સુનિશ્ચિત થાય છે. બદલી પામેલા તમામ ન્યાયાધીશો તેમની નવી નિમણૂકની જગ્યાએ જલદીથી ચાર્જ સંભાળી લેશે.
આ નિર્ણયના પરિણામે રાજ્યની લોઅર જયુડિશીયરીમાં નવા સમીકરણો ઉભા થયા છે અને નવા જિલ્લાઓમાં ન્યાયાધીશોની હાજરીથી સ્થાનિક ન્યાયસેવામાં નવી શક્તિ ઉમેરાશે તેવી અપેક્ષા છે.