ગાંધીધામ ટુડે, ન્યૂઝ: આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના ભીમાસર જિલ્લા પંચાયત બેઠક માટેની જનસભા આડેસર મુકામે યોજાઈ હતી, જેમાં 1000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ સભામાં AAPના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા, પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ, અને પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અન્સારી આથા સહિતના અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી. નેતાઓએ સ્થાનિક અગરિયાઓની રોજગારી, ભ્રષ્ટાચાર, અને ખરાબ પ્રાથમિક સુવિધાઓના મુદ્દે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

અગરિયાઓની રોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દે આક્રોશ
This Article Includes
AAPના નેતા રાજુભાઈ કરપડાએ આડેસરના અગરિયાઓની રોજગારી છીનવી લેવા બદલ ભ્રષ્ટ ભાજપના ઈશારાને જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે જણાવ્યું કે, “500 થી 700 અગરીયાઓના પરિવારો જે પોતાનું ગુજરાત ચલાવતા હતા એમની સામે દબંગાઈ કરીને સિંઘમના દીકરાઓએ ઢીંશું તોડી નાખવાનું કામ કર્યું.”
તેમણે સવાલ ઉઠાવ્યો કે, “લીઝ લીધા વગર એક પૂર્વ ધારાસભ્ય મીઠાનું કામ કરે છે,” તો અધિકારીઓ તેની સામે ક્યારે કાર્યવાહી કરશે? તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગરીબો વિરુદ્ધ જ કાર્યવાહી થાય છે, જ્યારે મોટા માથાંઓ સામે આંખ આડા કાન કરવામાં આવે છે.

બીજી તરફ, પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટે આરોપ લગાવ્યો કે ગરીબ ખેડૂતોએ વ્યાજે રૂપિયા લઈને નાખેલી સોલાર પેનલો તોડી નાખવામાં આવી છે. આ ઉપરાંત, તેમણે ચિંતા વ્યક્ત કરી કે ફોરેસ્ટ અધિકારીઓ ધીમે ધીમે જમીનની હદ એટલી હદે વધારી રહ્યા છે કે ટૂંક સમયમાં આડેસર ગામ પણ ફોરેસ્ટમાં જતું રહેશે તેવો ભય છે.
રોડ-રસ્તા અને દવાખાનાના મુદ્દે પ્રાથમિક સુવિધાઓનો અભાવ
પૂર્વ કચ્છ પ્રમુખ ડૉ. કાયનાત અન્સારી આથાએ આડેસર ગામમાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “હાડકા ભાંગી જાય તેવા રોડ છે પરંતુ હાડકા સાજા કરવા માટે જોઈએ એવા દવાખાના નથી.”
તેમણે આરોગ્ય સેવાઓની દયનીય સ્થિતિનો ચિતાર આપતા કહ્યું કે દવાખાના હોય તો ડોક્ટર નથી હોતા, ડોક્ટર હોય તો રિપોર્ટ થાય તેવા કોઈ સાધનો નથી હોતા. તેમણે જનતાને હાકલ કરી કે આ પરિસ્થિતિને બદલવા માટે સૌએ એકજૂટ થઈને આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપવું જોઈએ.
આ જનસભામાં આમ આદમી પાર્ટીના રાપર તાલુકા પ્રમુખ એડવોકેટ સુરેશ મકવાણા, પૂર્વ કચ્છ જિલ્લા મહામંત્રી નિલેશ મહેતા સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
AAPના નેતાઓએ લોકો સમક્ષ સ્થાનિક મુદ્દાઓ ઉઠાવીને આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં સમર્થન માંગીને પરિવર્તન લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.