ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતાં રાજ્યના ધારાસભ્યોને વાર્ષિક ફાળવાતી ગ્રાન્ટમાં વધારો કર્યો છે. અત્યાર સુધી ધારાસભ્યોને દર વર્ષે રૂ. 1.50 કરોડની ગ્રાન્ટ મળતી હતી, જેને હવે વધારીને રૂ. 2.50 કરોડ કરવામાં આવી છે. નવી ધોરણ અનુસાર, ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો ઉપરાંત વરસાદી પાણીના સંગ્રહ માટે ખાસ પગલાં લઈ શકશે.
આ નવી ગ્રાન્ટમાંથી રૂ. 50 લાખ “કેચ ધ રેઈન – સુજલામ સુફલામ જળ અભિયાન 2.0” અંતર્ગત જળસંચય અને જળસંગ્રહના કામો માટે ખાસ ઉપયોગમાં લેવાશે.
રાજ્યમાં 2018થી ચાલતું “સુજલામ સુફલામ જળ અભિયાન” ભૂગર્ભ જળ સ્તર વધારવા અને વરસાદી પાણીના સદુપયોગ માટે અમલમાં મૂકવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ તળાવો ઉંડા કરવી, ચેકડેમનું ડિસિલ્ટીંગ, નહેરો અને કાંસની મરામત-સાફસફાઈ, માટી પાળા તેમજ રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી અનેક પ્રવૃત્તિઓ જનભાગીદારીથી હાથ ધરવામાં આવે છે.
હાલ સુધી આ અભિયાનના માધ્યમથી રાજ્યમાં 1,19,144 લાખ ઘનફૂટ જેટલી જળસંગ્રહ ક્ષમતા વધારવામાં આવી છે અને આશરે 199.60 લાખ માનવ રોજગાર ઊભા કરાયા છે. નવા નિર્ણયથી “કેચ ધ રેઈન” અભિયાનને નવી દિશા અને દ્રષ્ટિ મળશે, તેમજ પાણી સંચય માટે જનજાગૃતિમાં પણ વધારો થવાની આશા છે.