ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે. ત્યારે ગુજરાત પોલીસે પણ ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. 25 એપ્રિલની મોડીરાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરીકો ઝડપાયા છે, જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે.
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, SOG, EOW, ઝોન-6 અને પોલીસ હેડ કવાર્ટરની ટીમોએ મળીને સયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સવારના 3 વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી 457 વિદેશી નાગરિકોને પકડી પાડ્યાં હતાં. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઈમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતાં.
આવી જ રીતે સુરતમાં પણ ઘૂસણખોરોને પકડી પાડવાનું ઓપરેશન રાત્રિના 12 વાગ્યાથી સવારની 6 વાગ્યા સુધી હાથ ધરાયું હતું. સુરત પોલીસની 6 ટીમ જેમાં 2 DCP, 4 ACP અને 10 PI સહિત 100 પોલીસકર્મીઓ હતા. આ ટીમોએ શહેરના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરી 120થી વધુ શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી. બાદમાં તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડ કવાર્ટર લઈ જવામાં આવ્યાં હતાં.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરીએથી રાજ્યના ડીઆઇજી સહિત જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક કરી હતી.