ગાંધીધામ ટુડે, ન્યૂઝઃ ઃ ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. આજથી ST બસમાં મુસાફરી મોંઘી બની છે. એસટી બસના ભાડામાં આજથી વધારો લાગુ કરવામાં આવ્યો છે. ભાડામાં 10 ટકાનો વધારો કરાતા ગુજરાતના 27 લાખ મુસાફરોને અસર કરશે.
ગુજરાત ST વિભાગ દ્વારા જણાવાયું છે કે, નિગમની તમામ સર્વિસોના મુસાફર ભાડામાં ફેરફાર કરવાની સત્તા એનાયત હતી, જે અનુસંધાને વર્ષ 2014 બાદ વર્ષ 2023માં એટલે કે 10 વર્ષ બાદ 18% જેટલો ભાડા વધારો કરવાનો થતો હતો, પરંતુ મુસાફરોને એકી સાથે ભારણ ન પડે તે ધ્યાને લઈ તબ્બકાવાર ભાડા વધારોનો નિર્ણય કર્યો હતો. જે પૈકી 1 ઓગસ્ટ 2023 ના રોજ 25% ભાડા વધારાનો અમલ કરવામાં આવ્યો છે.
નિગમની પરિવહન સેવાઓ વધુ મજબુત અને સુવિધાયુક્ત બને તે ધ્યાને લઈ ભાડા વધારામાં ફેરફાર કરવાની સત્તાઓ અનુસાર નિગમના સંચાલક મંડળ દ્વારા નિગમની સર્વિસોમાં 28 માર્ચ 2025ની મધ્યરાત્રિથી એટલે કે તારીખ 29 માર્ચ 2025થી 10% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે.
જેમાં લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ જેટલા) 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂ.1/- થી રૂ.4/- સુધીનો નજીવો ભાડા વધારો થવા પામે છે. જેવી રાજયના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરીને ભાડા વધારાથી નહિવત આકાર થવા પામશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની ST દૈનિક 8000 થી વધુ બસો થકી 32 લાખથી વધુ કી.મી.નું અંતર કાપી 27 લાખ મુસાફરોને અસરકારક જાહેર પરિવહનની સુવિધાઓ પૂરી પાડે છે.
GSRTC દ્વારા બસના ભાડામાં આજથી વધારો લાગુ કરાયો છે. આજથી એસટીની તમામ બસના ભાડામાં 10 ટકાનો વધારાનો સરકારે નિર્ણય લીધો છે. ST નિગમની તમામ લોકલ, એક્સપ્રેસ, ગુર્જરનગરી, સ્લીપર અને વોલ્વો બસના ભાડામાં આ વધારો લાગુ થશે. 48 KM સુધી 1 થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા વર્ષ 2023 માં 25 ટકાનો વધારો ઝીંકાયો હતો. તેના બે વર્ષ બાદ સરકારે વધારો જાહેર કર્યો છે.
દરરોજ 27.18 લાખ મુસાફરો એસ.ટી. બસમાં મુસાફરી કરે છે ગુજરાતમાં દરરોજ 18.21 લાખ ગ્રામીણ મુસાફરો, 46 હજાર શહેરી મુસાફરો અને 8.30 લાખ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને 27.18 લાખ મુસાફરો રાજ્યની એસ.ટી. બસમાં મુસાફરી કરે છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (GSRTC)ની કુલ 8,320 બસ દરરોજ 42,083 જેટલી ટ્રીપ પૂરી કરે છે. તમામ બસોનું 34.52 લાખ કિલોમીટર જેટલું અંતર દરરોજ કાપે છે. ગુજરાતના 18,367 ગામડાઓ એટલે કે 99.34 ટકા ગામડાઓને એસ.ટી. નિગમે આવરી લીધા છે. રોજ સરેરાશ 68,000 ટિકિટ ઓનલાઇન બુક થાય છે.