ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પૂર્વ વડા પ્રો. લખતરિયા સામેની જ્યુડિશિયલ તપાસના રિપોર્ટ મુજબ પત્ની સાથેના ખાતામાં 1.15 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી. પરંતુ યુનિવર્સિટીને પરત તેઓએ 67.32 લાખ જ રૂપિયા કર્યા હતા. આમ યુનિવર્સિટીને 48,23,025 રૂપિયા જમા થયા નથી. આ ઉપરાંત તપાસ રિપોર્ટની વિગતો મુજબ કમલજિત લખતરિયાએ 42 લાખથી વધુનો પગાર પણ ખોટી રીતે લઈ લીધો છે. જો કે, જ્યુડિશિયલ તપાસના આધારે યુનિવર્સિટીએ પ્રો.લખતરીને અધ્યાપક તરીકેની નોકરીમાંથી પણ ટર્મિનેટ કરવા ઠરાવ કરી દીધો હતો.
જ્યુડિશિયલ તપાસના રિપોર્ટ મુજબ કમલજિત લખતરિયાએ પોતાની પત્નીના ખાતામાં 1.15 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી. પરંતુ યુનિવર્સિટીને પરત 67.32 લાખ રૂપિયા કર્યા હતા. આમ યુનિવર્સિટીને 48,23,025 રૂપિયા જમા થયા નથી. રિપોર્ટ અનુસાર, તેમણે અગાઉ અપાયેલી પ્રથમ નોટિસનો જવાબ અને આરોપનામામાં આપેલો જવાબ અલગ અલગ છે. તેમણે જવાબમાં કહ્યુ હતું કે પત્ની સાથેના એકાઉન્ટમાં મારૂ નામ પહેલા છે અને શરતચુકથી રૂપિયા ટાન્સફર થયા હતા જે યુનિવર્સિટીને પરત કરી દીધા છે. જ્યારે બીજા જવાબમાં તેઓએ કહ્યુ હતુ કે, વેન્ડર્સને ખર્ચ પેટે એડવાન્સ આપવાના હોવાથી ખાતામાં લીધા હતા.આમ જુદા જુદા જવાબો ધ્યાને આવ્યા હતા.
1.15 કરોડ રૂપિયાથી વધુની રકમમાંથી જમાં થયેલી રકમ અને રજૂ કરાયેલા વાઉચર્સ-સ્લીપ મુજબની રકમનો કુલ સરવાળો 67,32,028 રૂપિયા થાય છે. જેથી બાકીની રકમનો કોઈ ખુલાસો-પુરાવો નથી. જો કે તેઓને યુનિવર્સિટીએ કુલ 3 નોટિસ આપી હતી અને તેઓએ જવાબમાં જણાવ્યુ હતુ કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ઉચાપત કરી નથી. તમામ વ્યવહારો સત્તાધીશોની મંજૂરીથી થયા છે. આ ઉપરાંત કમલજિત લખતરીયાએ ત્રણ વર્ષમાં નક્કી કર્યા કરતા વધારાના પગાર તરીકે 42.88 લાખથી વધુ રૂપિયા લીધા હતા તેવુ પણ તપાસ રિપોર્ટમાં ટાંકવામા આવ્યુ છે.
ગુજરાત યુનિવર્સિટીમાં કમલજીત લખતરિયાને જુન 2015માં કમ્પ્યુટર સાયન્સ વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે પ્રોબેશન પર નિમાયા બાદ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ઠરાવ તેમજ કુલપતિના આદેશ મુજબ 26-6-2017થી બે વર્ષે કાયમી કરવામા આવ્યા હતા. જો કે, આ પહેલા એટલે કે 29-12-2015ના રોજ કમલજિત લખતરિયાને એનિમેશન વિભાગના ઈન્ચાર્જ કોઓર્ડિનેટર બનાવાયા હતા. તેઓને એસો.પ્રોફેસરના પગાર ઉપરાંત માસિક 15 હજાર અને થોડા મહિના બાદ 30 હજાર મહેનતાણા તરીકે ચુકવવાનું પણ નક્કી કરાયું હતું.
જ્યારે આરોપનામાંની-તપાસ રિપોર્ટની વિગતો મુજબ 2021માં પ્રો.લખતરીયાએ માસિક 30 હજાર લેખે રૂ.3.60 લાખના બદલે 4.22 લાખનો પગાર મેળવ્યો હતો.વર્ષ 2022માં વર્ષના 3.60 લાખના બદલે 12,74,939 રૂપિયાની રકમ મહેનતાણાં રૂપે મેળવી હતી.જ્યારે 2023માં 3.60 લાખના બદલે તેઓએ 36,71,895ની રકમ મેળવી હતી.આમ 42.88 લાખથી વધુનો પગાર તેઓએ ખોટી રીતે મેળવ્યો હોવાનો આરોપ હતો ત્યારે તેઓની સામે તેઓએ જવાબ રજૂ કર્યો હતો કે સત્તાધીકારીઓની મંજૂરી બાદ જ મહેનતાણાની રકમ મેળવી છે અને મળેલ રકમમાંથી વધુ પડતી રકમ નાના-મોટા નિભાવ ખર્ચમાં-ખરીદીમાં-ઈન્ફ્રાસ્ટકરમાં વાપરી છે.