ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છના ગાંધીધામ ખાતે ગુજરાતનો પ્રથમ રેઇન વોટર હાર્વેસ્ટિંગ થીમ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અનોખો થીમ પાર્ક વરસાદી પાણીના સંગ્રહ અને પાણીના સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવાનો હેતુ ધરાવે છે. આ પાર્ક ભાવિ પેઢીને જળ સંરક્ષણનું મહત્વ સમજાવવામાં મદદ કરશે.

થીમ પાર્કનું નિર્માણ
This Article Includes
આ પાર્કનું નિર્માણ શહેરની અગ્રણી સંસ્થાઓ જેવી કે સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન (SRC), ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન, સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશન, સેપ્ટ યુનિવર્સિટી, અને એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન-દસરાના સહયોગથી કરવામાં આવ્યું છે.

પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈએ જણાવ્યું કે વરસાદી પાણીના સંગ્રહની પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને આ પાર્ક વિદ્યાર્થીઓમાં જળ સંચય અંગે જાગૃતિ લાવશે. એસ.આર.સી.ના ઇન્ચાર્જ ચેરમેન પ્રેમ લાલવાનીએ કહ્યું કે આ પાર્ક લોકોને શીખવશે કે “જો આપણે પાણી બચાવશું, તો પાણી આપણને બચાવશે”.
પાર્કની વિશેષતાઓ
આ થીમ પાર્ક પાણી સંરક્ષણની વિવિધ પદ્ધતિઓનું જીવંત પ્રદર્શન કરે છે. અહીં છત પરથી વરસાદી પાણીનો સંગ્રહ, બાયો સ્વેલ, પરકોલેશન પિટ, ફિલ્ટરેશન સિસ્ટમ, તળાવ આધારિત સંચય અને હવામાન નિરીક્ષણ કેન્દ્ર જેવી ટેકનિક્સ દર્શાવવામાં આવી છે. આ પાર્ક વિદ્યાર્થીઓ, સંશોધકો અને સામાન્ય નાગરિકો માટે એક શૈક્ષણિક કેન્દ્ર સાબિત થશે.

સેપ્ટ યુનિવર્સિટીના ડૉ. દિનેશ મહેતાએ જણાવ્યું કે ગાંધીધામમાં ભૂગર્ભજળમાં ક્ષારનું પ્રમાણ વધારે છે, તેથી જળ સંચય ખૂબ જ જરૂરી છે. તેમણે ઉમેર્યું કે પાર્કમાં પાણી બચાવવાના સંદેશાઓ પણ પ્રતીકાત્મક રીતે દર્શાવવામાં આવ્યા છે.

આ થીમ પાર્ક ગાંધીધામ દ્વારા પાણી વ્યવસ્થાપન ક્ષેત્રે લેવામાં આવેલું એક વધુ મહત્વપૂર્ણ પગલું છે. એસ.આર.સી. દ્વારા જનહિતમાં આ એક સરાહનીય પહેલ છે.
