ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ અને આદિપુરમાં રહેણાંક પ્લોટ પર થયેલા ગેરકાયદેસર વ્યાપારિક બાંધકામોને પગલે એસ.આર.સી. દ્વારા લીઝ રદ કરવાની અને સેંકડો મિલકતધારકોને નોટિસ ફટકારવાની કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે એસ.આર.સી. અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) ના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ બેઠકમાં એસ.આર.સી. દ્વારા લેવામાં આવેલા પગલાં અને નોટિસ પાઠવવા પાછળના કારણો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એસ.આર.સી.ના અધિકારીઓએ પોર્ટના ચેરમેનને સમગ્ર પરિસ્થિતિથી અવગત કરાવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, બેઠકનું વાતાવરણ સકારાત્મક રહ્યું હતું અને લીઝના મુદ્દે ઊંડાણપૂર્વક વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
વધુમાં, શહેરમાં વધી રહેલા વ્યાપારને ધ્યાનમાં રાખીને લીઝની શરતોનું પાલન સુનિશ્ચિત કરીને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે કઈ રીતે વ્યવસ્થા ઊભી કરી શકાય તે અંગે પણ ચર્ચા થઈ હતી. એકંદરે, શહેરના વિકાસને અવરોધ્યા વિના કોઈ ઉકેલ શોધવા માટે મંથન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પોર્ટ પ્રશાસન દ્વારા આ અંગે લેવામાં આવનાર નિર્ણય આગામી સમયમાં લેખિતમાં એસ.આર.સી.ને જણાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, એસ.આર.સી. દ્વારા એકસાથે 61 પ્લોટની લીઝ રદ કરવામાં આવી છે અને 300 જેટલા પ્લોટધારકોને નોટિસ પાઠવીને તેમના વ્યાવસાયિક ઉપયોગ અંગેના પુરાવા રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે. એટલું જ નહીં, હજુ વધુ નોટિસો તૈયાર હોવાનું પણ જાણવા મળ્યું છે, જોકે તે હજુ સુધી મોકલવામાં આવી નથી.
આ ઘટનાક્રમને પગલે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમને કાયદાકીય માર્ગદર્શન મળી રહે તે માટે એક કેન્દ્ર પણ શરૂ કર્યું છે. આ ઉપરાંત, ચેમ્બર અને વેપારીઓએ સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી. તાજેતરમાં, પોર્ટ દ્વારા એસ.આર.સી.ને પત્ર લખીને આ મુદ્દે સંયુક્ત બેઠક ન થાય ત્યાં સુધી કાર્યવાહી સ્થગિત રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે સૌની નજર એ વાત પર છે કે આ બેઠક બાદ આગામી સમયમાં શું નિર્ણય લેવાય છે. બેઠકમાં એસ.આર.સી.ના ઉચ્ચ અધિકારીઓ અને ડિરેક્ટરોએ ભાગ લીધો હતો.