ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી તીવ્ર ગરમીના મોજાં ચાલી રહ્યા છે, જેના કારણે આખું જિલ્લો અગ્નિકુંડ સમાન બની ગયો છે. મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર જતા ગરમીએ લોકોના સ્વાસ્થ્ય પર સીધી અસર શરૂ કરી છે.
આ તીવ્ર ઉકળાટની અસર રૂપે, જિલ્લામાં દૈનિક લૂ લાગવાના 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જોકે હાલના તમામ કેસ હળવા લક્ષણવાળા હોવાથી કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી.
રેડ અને ઓરેન્જ એલર્ટ વચ્ચે, લૂના લક્ષણરૂપે ડિહાઈડ્રેશનના કેસો ખાસ કરીને નોંધાઈ રહ્યા છે. ભુજમાં અદાણી સંચાલિત જનરલ હોસ્પિટલમાં રોજિંદા ઓપીડીમાં અડધા કરતા વધુ દર્દીઓ ડિહાઈડ્રેશન, ઊલટી, ઝાડા અને સ્નાયુ જકડાઈ જેવી તકલીફો સાથે આવે છે. 108 ઈમરજન્સી સેવાને પણ લૂ સંબંધિત કોલ મળી રહ્યા છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ભુજ જનરલ હોસ્પિટલમાં લૂ માટે ખાસ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર જિલ્લામાં 100થી વધુ હોસ્પિટલોને યોગ્ય તકેદારી સાથે સજ્જ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે 1.63 લાખ ORS પેકેટ તૈયાર રાખ્યા છે.
તબીબો દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ભરપૂર પ્રમાણમાં પ્રવાહી પિયાનું ધ્યાન રાખે, બહાર નીકળતી વખતે ટોપી કે દુપટ્ટાનું રક્ષણ કરે, અને ખાસ કરીને જંકફૂડથી દૂર રહે.