ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ અને ઉત્તર ગુજરાતને જોડતા રાધનપુર-મહેસાણા હાઈવે પર સમીના ગોચનાદ ગામ પાસે બનાસ નદી પર આવેલો 1965માં બનેલો એક ઐતિહાસિક બ્રિજ હવે જર્જરિત હાલતમાં પહોંચી ગયો છે, જેના પગલે તેની પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તાજેતરમાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં પુલોની સ્થિતિ તપાસવા માટે ઝુંબેશ શરૂ થઈ છે, ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આશરે 60 વર્ષ જૂનો આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. તેના પોપડા ઉખડી ગયા હતા અને સળિયા પણ દેખાવા લાગ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટનાનો ભય સેવાઈ રહ્યો હતો. ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ મહેસાણા માર્ગ-મકાન વિભાગ સફાળું જાગ્યું અને તાત્કાલિક ધોરણે આ બ્રિજને બંધ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું.
આ બ્રિજ ટોલ-ફ્રી હોવાને કારણે દરરોજ હજારો વાહનો પસાર થતા હતા, જેના કારણે તેની પર સતત દબાણ રહેતું હતું. સત્તાવાળાઓ દ્વારા ‘ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં’ મારવા સમાન આ પગલું મોડું લેવાયું હોવાનું મનાય છે, પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ટાળવા માટે તે અનિવાર્ય હતું.
ડાયવર્ઝન જાહેર કરાયું:
ભારે વાહનોના ટ્રાફિકને હવે વૈકલ્પિક માર્ગ પર વાળવામાં આવ્યો છે. ભારે વાહનો માટે રાધનપુર-સીનાડ-ઉણ-થરા-ટોટાણા-રોડા-વેજાવાડા-બોતરવાડા-હારીજ થઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
રાજ્યભરમાં બ્રિજોની ચકાસણી:
ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ગાંધીનગરથી મળેલા આદેશ બાદ રાજ્યના તમામ જિલ્લાઓમાં નાના-મોટા બ્રિજોની સ્થિતિ ચકાસવા માટે ટીમો કામે લાગી છે. પાટણ જિલ્લામાં પણ આવા 40 જેટલા પુલો આવેલા છે, અને વહીવટીતંત્ર દ્વારા શુક્રવારે બેઠક બોલાવીને તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા લાંબા સમયથી આ બ્રિજના સમારકામની માંગ કરવામાં આવી રહી હતી. હવે તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરીને આ બ્રિજને ફરીથી સુરક્ષિત બનાવવામાં આવે તેવી અપેક્ષા છે.