ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજારમાં ધુળેટીના પાવન દિવસે ર૦૦ વર્ષથી પણ જુની પરંપરા મુજબ ઈશાક – ઈશાકડીના લગ્નોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ ઉજવણી સંદર્ભે માણેકસ્થંભ રોપણ કરવામાં આવ્યુ હતુ. ગુરુવારે હોળાષ્ટકના પ્રારંભ સાથે જ બપોરે માણેક સ્થંભને ભીડમાંથી લઈ ઉભી બજારે ગંગા બજાર, કસ્ટમ ચોકથી શિવાજી રોડથી લઈ માંડવા નીચે મોહનભાઈ કંસારાની દુકાન પાસે માણેક સ્થંભનું રોપણ કરવામાં આવ્યુ હતુ.
આગામી ફાગણ સુદ પુનમ તા.૧૩/૩ને ગુરૂવારે હોળીનો તહેવાર ઉજવાશે, જ્યારે ફાગણ વદ – ૧, તા.૧૪/૩ને શુક્રવારના ધુળેટીના દિવસે ઈશાક ઈશાકડીના લગ્નોત્સવ યોજાશે. આ માટે ઉજવણીની ઠેર ઠેર લીંબુ, મરચા, રીંગણાનો તોરણ બંધાશે.
ધુળેટીના બપોરે ભીડ ચોકમાંથી ઘેર શરુ થશે. જે ગંગાનાકા, લોહાર ચકલા, મચ્છી પીઠમાંથી મોહનરાયજીના મંદિરથી લાખાણી ચોક, સોરઠીયા ફળીયામાંથી હનુમાનજીના મંદિર પાસેથી થઈ ઘનશ્યામ નિવાસ, મોઢ ફળીયાથી માણેક સ્થંભ અને ત્યાંથી શિવાજી રોડ પાસેથી લાલ બહાદુર શાસ્ત્રી રોડ પરથી કસ્ટમ ચોક પાસેથી ગંગા બજારમાં ગંગાનાકા બહાર નીકળશે અને નાકા બહાર પૂર્ણાહુતિ થશે. હોળી ઉત્સવને લઈને કમિટીના પ્રમુખ દિપક પરસોતમભાઈ સોલંકી, અજયભાઈ પોમલ તથા સભ્યો દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે.


Add a comment