ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે કેદીએ પોતાની સજા પૂરી કરી લીધા બાદ અથવા જામીન મળ્યા બાદ એક પણ મિનિટ માટે જેલમાં રહેવું ન જોઈએ. આ નિર્ણય વડોદરા જેલના એક કેદીના કેસ પર આધારિત છે, જેને જેલ સત્તાવાળાઓની ગણતરીની ભૂલને કારણે સજા પૂરી થયા બાદ પણ બે મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું.
₹50,000નું વળતર અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી
This Article Includes
ન્યાયમૂર્તિ હસમુખ ડી. સુથારે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા જેલના સુપ્રિટેન્ડન્ટ, જેલર અને અન્ય અધિકારીઓને વર્ચ્યુઅલી અને રૂબરૂ હાજર રાખ્યા હતા. કોર્ટે જેલ અધિકારીઓની ગંભીર બેદરકારી અને લાપરવાહી બદલ કેદીને ₹50,000નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ વળતરની રકમ જવાબદાર અધિકારીઓએ પોતાના ખિસ્સામાંથી સીધી કેદીના ખાતામાં જમા કરાવવાની રહેશે.
ન્યાયિક અધિકારીઓને રેકોર્ડ ચકાસવાનો આદેશ
હાઈકોર્ટે રાજ્યની તમામ જેલોના ન્યાયિક અધિકારીઓને ખાસ નિર્દેશ આપ્યો છે કે તેઓ જેલની મુલાકાત દરમિયાન કેદીઓના રેકોર્ડ્સની યોગ્ય ચકાસણી કરે. જેથી કોઈ પણ કેદી, પછી તે પાકા કામનો હોય કે કાચા કામનો, સજા પૂરી થયા પછી કે જામીન મંજૂર થયા પછી ગેરકાયદેસર રીતે જેલમાં ન રહે. આ સાથે જેલ સુપ્રિટેન્ડન્ટને તમામ કેદીઓના સજાના સમયગાળાની ફરીથી ચોક્કસ ગણતરી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
જેલનું વાતાવરણ આશ્રમ જેવું બનાવો: હાઈકોર્ટ
આ ચુકાદામાં કોર્ટે જેલ સત્તાવાળાઓને સંવેદનશીલ અને માર્મિક ટકોર કરતા જણાવ્યું હતું કે, કેદીઓ ગુનેગાર હોવા છતાં તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રહી શકતા નથી. જેલ અધિકારીઓની મનમાની અને ઉદ્ધતાઈ એ ગુનેગારના મૂળભૂત અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે.
હાઈકોર્ટે રાજ્યની જેલોના આઈજીને પણ મહત્ત્વનો આદેશ આપ્યો છે કે, જેલોમાં આશ્રમ જેવું મૈત્રીપૂર્ણ અને કરુણામય વાતાવરણ ઊભું કરવામાં આવે. આ સાથે જ જેલ સત્તાવાળાઓને મોડેલ જેલ મેન્યુઅલનું પાલન કરીને તમામ કેદીઓ સાથે માનવતાપૂર્ણ વર્તન કરવા અને તેમના પુનર્વસન માટે જરૂરી પગલાં લેવા પણ સૂચન કર્યું છે.
ન્યાયમૂર્તિ હસમુખ ડી. સુથારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હૃદયસ્પર્શી વાક્યનો ઉલ્લેખ કરીને ચુકાદાનું સમાપન કર્યું હતું: “પોતાને શોધવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે બીજાઓની સેવામાં પોતાને ગુમાવી દો.”