ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક (એસ.પી.)ને એક આવેદનપત્ર પાઠવીને અંજારના વરસામેડી ગામના ૨૦ વર્ષીય દલિત યુવાન પ્રવિણ રમેશભાઈ ખોરવાલના કથિત હિટ એન્ડ રન કેસમાં પોલીસની બેદરકારીની તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે પ્રવિણનું તારીખ ૨૯/૦૧/૨૦૨૫ ના રોજ ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઈવે પર અકસ્માતમાં મોત નીપજ્યું હતું. મંચે આક્ષેપ કર્યો છે કે ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ આ કેસની તપાસમાં ગંભીર બેદરકારી દાખવી છે. ઘટનાના દોઢ મહિના બાદ ફરિયાદીને સીસીટીવી ફૂટેજ જાતે શોધવાનું કહેવું અને અકસ્માત સ્થળ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ સમય મર્યાદા વીતી જવાને કારણે ઉપલબ્ધ ન થવા અંગે પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મંચે એસ.પી.ને રજૂઆત કરતાં જણાવ્યું છે કે જો આ બનાવમાં કોઈ જાણી જોઈને આરોપીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હશે તો દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે માંગ કરી છે કે આ સમગ્ર મામલાની નિષ્પક્ષ અને તાત્કાલિક તપાસ કરવામાં આવે અને મૃતકના પરિવારને ૨૦ દિવસની અંદર ન્યાય આપવામાં આવે. જો તેમ નહીં થાય તો ગાંધીધામ એસ.પી. કચેરી સામે અચોક્કસ મુદતનું ધરણાં, ઉપવાસ અને ભૂખ હડતાલ શરૂ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
આ રજૂઆત સમયે ભોગ બનનારના પરિવારજનો અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોલીસ પ્રશાસન પાસે તાત્કાલિક ન્યાયની માંગ કરી હતી. હવે જોવાનું એ રહે છે કે પૂર્વ કચ્છ પોલીસ આ ગંભીર આક્ષેપો પર કેવી કાર્યવાહી કરે છે.