ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગત તા. ૧/૫/૨૦૨૫ના રોજ આદિપુરની ૮૦/૬૪ બજારમાં રાત્રિ ફરજ પર રહેલા હોમગાર્ડ જવાનો સમીર કે. શ્રીમાળી (નં. ૨૫૨૦) અને ભરત બચવાની (નં. ૨૫૧૨)એ એક દુકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
રાત્રિના આશરે ૨:૩૫ કલાકે બસંત બહાર નાસ્તા સેન્ટર નામની દુકાનમાં કેટલાક અજાણ્યા શખ્સો ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યા હતા. તે સમયે રાત્રિ પેટ્રોલિંગ કરી રહેલા હોમગાર્ડ જવાનોએ તેમને દુકાન તોડતા અને ચોરી કરતા રંગેહાથ ઝડપી લીધા હતા. જવાનોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી મોબાઇલ વાનને બોલાવી હતી અને ચોરી થતી અટકાવી હતી.
પોલીસ મોબાઇલ વાને ઘટના સ્થળે પહોંચી ચોરોની શોધખોળ શરૂ કરી હતી અને સવારના ૫:૦૦ વાગ્યા સુધી શંકાસ્પદ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભરત બચવાની આદિપુર હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગનો પણ કાર્યભાર સંભાળી ચૂક્યા છે. હોમગાર્ડ જવાનોની આ સક્રિયતાને કારણે આદિપુરની બજારમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.