ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ક્રૂડ ઓઇલના ભાવ 60 ડૉલર પ્રતિ બેરલથી નીચે આવી ગયા હોવાથી દેશમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વધી છે. ક્રૂડ ઓઇલ સસ્તું થવાથી વાહનચાલકોને રાહત મળી શકે છે. જો કે, આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કર્યા હોવા છતાં, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
હાલમાં ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ પોર્ટ બ્લેરમાં છે, જ્યાં પેટ્રોલનો ભાવ ₹ 82.46 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹ 78.05 પ્રતિ લિટર છે. દિલ્હીમાં પેટ્રોલ ₹ 94.77 અને ડીઝલ ₹ 87.67 પ્રતિ લિટર પર સ્થિર છે. ભુજમાં આજે પેટ્રોલનો ભાવ ₹ 99.52 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹ 90.80 પ્રતિ લિટર છે.

ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક+ દ્વારા તાજેતરમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો વધારવાના નિર્ણયને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાયો છે. યુએસ ક્રૂડ ઓઇલ (WTI)માં 4% અને બ્રેન્ટ ક્રૂડમાં 3.79% ઘટાડો થયો છે, જે હવે 58.79 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. વિશ્વભરમાં ક્રૂડનો પુરવઠો વધતા કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે.
એપ્રિલ મહિનામાં દેશમાં ડીઝલની માગમાં લગભગ ચાર ટકાનો વધારો થયો છે. ઉનાળાની શરૂઆત થતાં ડીઝલનો વપરાશ વધીને 82.3 લાખ ટન થયો છે, જે ગયા વર્ષના એપ્રિલની તુલનામાં 4% અને કોવિડ પહેલાના સમયગાળા (2019)ની તુલનામાં 10.45% વધુ છે. એ જ રીતે, એપ્રિલ 2025માં પેટ્રોલનો વપરાશ પણ 4.6% વધીને 34.35 લાખ ટન થયો છે. જો કે, ગયા વર્ષે ચૂંટણી પ્રચારને કારણે પેટ્રોલના વપરાશમાં 19%નો મોટો વધારો જોવા મળ્યો હતો.