ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ અને આદિપુરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતા વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે એસ.આર.સી. દ્વારા એકસાથે ૬૧ લીઝ રદ કરવામાં આવી છે અને વધુમાં ૨૦૦ જેટલી નોટિસો આપવામાં આવી છે. આ કાર્યવાહીથી સ્થાનિક વેપારી જગતમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારીઓના પ્રતિનિધિ મંડળે સ્થાનિક સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સમક્ષ વિસ્તૃત રજૂઆત કરી હતી. આ મુદ્દે એસ.આર.સી.ના ડિરેક્ટરો અને ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીને રજૂઆત કરવામાં આવી હતી.
ગઈકાલે બપોરે સાંસદ શ્રી ચાવડા સાથેની મુલાકાતમાં પ્રતિનિધિ મંડળે કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ-આદિપુરના વેપાર-ઉદ્યોગને પડનારી સંભવિત અસર, બેરોજગારીની સમસ્યા અને સરકારને થનાર મહેસૂલની નુકસાની જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. ખાસ કરીને, આ નિર્ણયથી વિસ્તારમાં મોટા પાયે બેરોજગારી સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી.
સાંસદ શ્રી ચાવડાએ પ્રતિનિધિ મંડળની રજૂઆતને શાંતિથી સાંભળી અને આ મામલે તેમને પણ ઘણા ફોન આવ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે વેપારીઓને આ સમસ્યામાંથી બહાર લાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. વધુમાં, તેમણે એસ.આર.સી., ડી.પી.એ. સહિતના સંબંધિત વિભાગોની સંયુક્ત બેઠક બોલાવીને આ પ્રશ્નના ઉકેલ માટે પ્રયત્ન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આગામી ત્રણથી ચાર દિવસમાં જ આ બેઠક યોજવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પ્રતિનિધિ મંડળમાં ચેમ્બર પ્રમુખ શ્રી મહેશ પૂજ, ઉપપ્રમુખ શ્રી દિપક પારખ, માનદ મંત્રી શ્રી મહેશ તિર્થાણી, પૂર્વ પ્રમુખ શ્રી તેજાભાઈ કાનગડ, ખજાનચી શ્રી નરેન્દ્ર રામાણી, વરિષ્ઠ સભ્ય શ્રી રોમેશ ચતુરાણી, ભુજ શહેર ભાજપ પ્રમુખ શ્રી મીત ઠક્કર તેમજ વેપારી આગેવાનો શ્રી બોની ઠક્કર અને શ્રી જયંત ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
વેપારી સમુદાયની સમસ્યાના નિરાકરણની દિશામાં આ બેઠકને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે અને પીડિત વેપારીઓમાં આ પહેલથી વેપાર અને ઉદ્યોગને નવી ગતિ મળશે તેવી આશા પ્રબળ બની છે.