ગાંધીધામ ટુડે, ન્યૂઝ: અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલ નૈન્સી રેસીડન્સી-૩ના મકાન નં.૮માં તસ્કરોએ હાથ સાફ કર્યો હોવાનો ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ મકાનમાં રહી રહેલા નાનજીભાઈ જીવરામભાઈ દેવીપૂજક રાધનપુરમાં ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા ત્યારે 7 એપ્રિલ બપોરે 2 વાગ્યાથી 8 એપ્રિલ સાંજે 6 વાગ્યા વચ્ચે તસ્કરોએ મકાન તોડી ચોરી આચરી હતી.
અજાણ્યા તસ્કરો સિમેન્ટના પતરું તોડી અંદર ઘુસ્યા અને રૂ. 1.75 લાખ રોકડ સાથે સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 4.45 લાખની માલમત્તા લઈ ગયા. ચોરોએ માટીના ગલ્લામાંથી રોકડ રકમ તેમજ સોનાનું કડું, ત્રણ ઓમ, નખલી જોડી નંગ.3, પાંચ નથડી, ચાંદીના તોડા, કડાં, હાસડી, સડા, વીંટી, મંગલસૂત્ર અને બાળકોના કડાં જેવી કિંમતી વસ્તુઓ લૂંટી હતી.
પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘરફોડ ચોરીના આ બનાવને ગંભીરતાથી લઈ સ્થાનિક પોલીસ તસ્કરો સુધી પહોંચવા માટે તપાસને તેજ બનાવી છે.