ગાંધીધામ ટુડે ન્યુઝ – સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ સામખિયાળી પાસેથી ₹56.85 લાખની કિંમતનો બિયર ટીનનો વિશાળ જથ્થો જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ટેન્કરમાં લાવવામાં આવ્યો હતો અને સામખિયાળીમાં ડિલિવર થવાનો હતો. આ પ્રકરણમાં રાજસ્થાનના વોન્ટેડ બુટલેગર અનિલકુમાર ઉર્ફે પાંડ્યા જગદીશપ્રસાદ જાટનું નામ સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, SMC ને બાતમી મળી હતી કે રાજસ્થાનથી બિયરનો મોટો જથ્થો એક ટેન્કરમાં ભરીને ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે SMC ની ટીમે સામખિયાળી નજીક વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટેન્કરને રોકી તપાસ કરતા તેમાંથી ૫૬.૮૫ લાખ રૂપિયાનો બિયર ટીનનો જથ્થો મળી આવ્યો હતો.
તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ જથ્થો રાજસ્થાનના વોન્ટેડ બુટલેગર અનિલકુમાર ઉર્ફે પાંડ્યા જગદીશપ્રસાદ જાટે મોકલ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાંડ્યા અગાઉ વડોદરાના દારૂકેસમાં પણ ચર્ચામાં આવ્યો હતો, જ્યાં તેણે SMC ના હેડ કોન્સ્ટેબલને ₹૧૫ લાખ આપ્યા હોવાની એક ઓડિયો ક્લિપ વાયરલ કરી હતી.
આ કેસમાં SMC એ પાંડ્યા, તેના સાગરીત અર્જુન, માલ મંગાવનાર વ્યક્તિ સહિત કુલ પાંચ આરોપીઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો કોને ડિલિવર કરવાનો હતો અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.