ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગુજરાતમાં હાલ રાજ્યના પોલીસવડા વિકાસ સહાયના આદેશ બાદ ગુનાહિત ઇતિહાસ ધરવતા હિસ્ટ્રીસીટરો ઉપર પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અન્યવે કચ્છ જિલ્લામાં પણ નામચીન શખ્સો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. અત્યાર સુધી અંજાર, ભુજ વગેરે સ્થળે વિજ કનેક્શન કટ કરવા અને બિનઅધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. ગઇકાલે રાપરમાં પણ ગેરકાયદે બનાવાયેલા વાણિજ્ય સંકુલ ઉપર પોલીસ અને મામલતદાર કચેરીની સંયુક્ત કામગીરી હેઠળ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. આ બનાવથી વાગડ વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરતા તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઇ જવા પામી છે.

આ અંગે રાપર પીઆઇ જેબી બુબડીયાએ જણાવ્યું કે, રામજી પિરાણા નામના ઇસમ સામે મારામારી અને હત્યાની કોશિશ સહિતના ગુના દાખલ છે. ત્યારે સરકારી જમીન ઉપર ગેરકાયદે કબ્જો જમાવી બનાવાયેલી તેની પાકી દુકાનો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાપર મામલતદાર હમીર વાઘેલાએ જણાવ્યું કે, રામજી પિરાણા તથા તેના પરિવાર દ્વારા નગાસર તળાવ સામે અને પેટ્રોલ પંપ નજીકની જમીનના તેઓ દ્વારા બીનાધિકૃત રીતે 5 પાંચ દુકાનો બનાવવા આવી હોવાની પોલીસ વિભાગની રજૂઆત મળતા આ અંગે નોટિસ પાઠવવામાં આવી હતી. આખરે સમય મર્યાદામાં પાકું સંકુલ દૂર ના થતા પોલીસ બંદોબસ્ત હેઠળ દૂર કરવામાં આવી રહ્યું છે. આ સમયે રાપર વિકાસ વિસ્તાર મંડળના અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અને વહીવટી તંત્રનો સ્ટાફ હાજર રહ્યો છે.
આ અંગે સ્થાનિકેથી પ્રાપ્ત માહિતી મુજબ રામજી પીરાણાના ધર્મપત્ની નગરપાલિકામાં ગત ટર્મ દરમિયાન ભાજપ પક્ષમાંથી ચૂંટાઈ આવ્યાં બાદ કારોબારી ચેરમેન પદે સેવા આપી ચુક્યા છે. જોકે તેમના પરિવારનું સંકુલ ગેરકાયદે હોવાથી તોડવામાં આવ્યું છે.